ભુજઃ કચ્છનું નારાયણ સરોવર-કોટેશ્વર હવે માત્ર તીર્થધામ નહીં રહે, પણ ભવિષ્યમાં અહીં આવતા પ્રવાસીઓ ગીરના જંગલની જેમ જંગલ સફારી પણ માણી શકશે. કચ્છ જિલ્લામાં કુલ 4 અભયારણ્ય અને એકમાત્ર છારીઢંઢ સંરક્ષિત ક્ષેત્ર છે. તેમાં આ પ્રકારે પહેલી સફારી શરૂ થશે.
નાયબ વનસંરક્ષક યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું કે, આ વિસ્તારમાં અનોખી ઇકો-સિસ્ટમ છે. અહીંના મોસમી જળપ્લાવિત વિસ્તારો અને શુષ્કતા 15 ભયગ્રસ્ત વન્યપ્રાણી પ્રજાતિઓ માટે મુખ્ય સંવર્ધકની ભૂમિકા ભજવે છે. નારાયણ સરોવર અભયારણ્યમાં 184 પ્રકારનાં પક્ષીઓની પ્રજાતિ જોવા મળે છે, જેમાં 19 શિકારી પક્ષીઓની પ્રજાતિ છે. ઉત્તમ ઘાસીયા મેદાન અહીં જંગલ સફારી માટે અનુકૂળ વાતાવરણ પૂરાં પાડતાં હોવાનું ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું. આ પ્રોજેક્ટ અમલમાં આવતાં જ સ્થાનિકસ્તરે ઇકો ટુરિઝમને પ્રોત્સાહન મળશે અને રોજગારી પણ વધશે.
444.23 ચો કિ.મી. વિસ્તારમાં ફેલાયેલા નારાયણ સરોવર અભયારણ્યમાં અનેકવિધ વન્યજીવની પ્રજાતિઓ જોવા મળે છે. ખાસ કરીને અહીં ચિંકારાની સમૃદ્ધ વસ્તી છે. આ સાથે જ વરુ, હેણોત્રો, શિયાળ, ઝરખ, જંગલી બિલાડી, શાહુડી, ઘોરખોદિયું, કીડીખાઉ, અને સસલાંની હાજરી નોંધાયેલી છે. ભુજથી 165 કિ.મી.સ્થિત અભયારણ્યમાં વિવિધ 252 પ્રજાતિનાં પ્લાન્ટ્સ જોવા મળે છે.
પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ કહ્યું હતું કે, કોરીક્રીક ખાતે રૂ. 300 કરોડના ખર્ચે પ્રવાસન સ્થળ વિકસાવાશે. સાથે જ ધોળાવીરા, માંડવી બીચ, કોટેશ્વર તેમજ અન્ય ધાર્મિક સ્થળોને કનેક્ટિવિટી સાથે પાયાની સુવિધા પૂરી પડાશે. કચ્છમાં ચેરિયા આધારિત પ્રવાસનનો વિકાસ કરવા દિલ્હીસ્તરે બ્લૂ પ્રિન્ટ તૈયાર થઈ ચૂકી છે. પ. બંગાળમાં આવેલ ગંગાના ડેલ્ટામાં ચેરિયા પ્રવાસનમાં વિશ્વમાં મોખરાનું સ્થાન ધરાવતું સુંદરવન જેવું પ્રવાસન સ્થળ અહીં વિકાસ પામશે.

