પ્રયાગરાજઃ ઉત્તરપ્રદેશના માફિયા ડોન અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની પ્રયાગરાજમાં મેડિકલ ચેકઅપ માટે લઈ જવાતાં હત્યા કરી દેવામાં આવી. કોલ્વિન હોસ્પિટલ કમ્પાઉન્ડમાં મીડિયા કર્મચારીના રૂપમાં આવેલા ત્રણ શખ્સોએ પોલીસ જાપ્તાની વચ્ચે જ અતીક અને અશરફને ગોળીઓથી વીંધી દીધા. ઉલ્લેખનીય છે કે 13 એપ્રિલે અતીકના પુત્ર અસદ અને તેના ગનર ગુલામને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતા. એ જ દિવસે અતીક અને અશરફને પોલીસે 5 દિવસના રિમાન્ડ પર સોંપ્યા હતા. જેની રૂટિન પ્રોસેસ મુજબ બંનેને મેડિકલ ચેકઅપ માટે લાવવામાં આવ્યા હતા.
અતીક અને અશરફ પર ત્રણેય હત્યારાએ 18 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં અતીકને 8 અને અશરફને 5 ગોળી વાગી હતી અને તેઓએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. આ ઘટના સમયે અતીક અને અશરફ પોલીસ જાપ્તાની વચ્ચે હતા, પરંતુ ગોળીઓ ચાલતાં જ હાજર પોલીસ કર્મચારીઓ પણ પોતાનો જીવ બચાવતા નજરે પડ્યા હતા. જો કે બંનેને ઠાર માર્યા બાદ ત્રણેય હત્યારાઓએ સામેથી સરેન્ડર કર્યું, જે ત્યાં હાજર મીડિયાના કેમેરામાં કેદ થયું હતું.
ઉલ્લેખનીય છે કે 13 એપ્રિલે અતીકને કોર્ટમાં હાજર કરી તેના રિમાન્ડ મેળવવામાં આવ્યા, તે જ દિવસે તેના દીકરા અસદ અને ગનર ગુલામનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. 15 એપ્રિલે અસદની દફનવિધિ કરાઈ તે જ દિવસે અતીકની પોલીસ જાપ્તા વચ્ચે હત્યા કરી દેવાઈ આવી.
કસારી મસારી કબ્રસ્તાનમાં દફનવિધિ
એન્કાઉન્ટમાં ઠાર માર્યા બાદ અસદની દફનવિધિના ગણતરીના કલાકોમાં ત્યાં જ અતીક અને અશરફની દફનવિધિ કરવામાં આવી હતી. પુત્ર અસદ અને બાદમાં અતીક અને અશરફનું મોત થયા બાદ પણ શાહિસ્તા હાજર રહી શકી નહોતી. ઉલ્લેખનીય છે કે આ જ કબ્રસ્તાનમાં અતીકના પિતાને પણ દફન કરવામાં આવ્યા છે.
હત્યારા આવ્યા પત્રકારના વેશમાં
ત્રણેય હત્યારા સની, અરુણ અને લવલેશ અતીક અને અશરફના મેડિકલ ચેકઅપના સમયે કોલ્વિન હોસ્પિટલમાં પત્રકારના વેશમાં ઘૂસ્યા હતા. આ આરોપીઓએ પોલીસ જાપ્તામાં રહેલા અતીકને પ્રથમ પોઇન્ટ બ્લેન્ક રેન્જથી માથામાં પ્રથમ ગોળી મારી હતી, જે બાદ સતત 18 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. જેમાં અતીકને 9 અને અશરફને 5 ગોળી વાગી હતી. હત્યારાઓ ડમી કેમેરા, આઇકાર્ડ અને એનસીઆર ન્યૂઝનું માઇક પણ જપ્ત કરવામાં આવ્યું છે.
તુર્કીની આધુનિક પિસ્તોલથી હત્યા
અતીક અને અશરફની હત્યા કરનારા ત્રણેય શખ્સ સની, અરુણ અને લવલેશ તિવારી બેકાર યુવાનો હતા. તેમની પાસે તુર્કી મેડ આશરે રૂ. 7 લાખની આધુનિક ઝિગાના પિસ્તોલ ક્યાંથી આવી તે અંગે અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. પોલીસ દ્વારા શંકા સેવવામાં આવી છે કે આ હત્યા કોઈ મોટાં માથાં દ્વારા કરાવાઈ છે.
ત્રણેય આરોપીઓની છે ક્રાઇમ હિસ્ટ્રી
અતીક અને અશરફની હત્યા કરનારા આરોપીઓ અગાઉ પણ અનેક ક્રાઇમમાં સંડોવાયેલા હોવાનું અને અનેક કેસ ચાલતા હોવાનું જણાયું છે. હમીરપુરના સનીસિંહ વિરુદ્ધ 15 કેસ નોંધાયેલા છે. કાસગંજ વિસ્તારનો રહેવાસી અરુણ એક પોલીસ કર્મચારીની હત્યાનો ફરાર આરોપી હતો, તો લવલેશ તિવારી સામે કુલ ચાર કેસ નોંધાયેલા છે અને એક ગુનામાં જેલની સજા ભોગવી ચૂક્યો છે.
અસદ – અતીક પર રાજકીય ઘમાસાણ
અસદ એન્કાઉન્ટર અને અતીકની હત્યા બાદ સમાજવાદી પાર્ટી દ્વારા આ ઘટનાક્રમમાં યોગી સરકાર પર ઠીકરું ફોડવામાં આવ્યું છે. તો બિહારના ડે. સીએમ તેજસ્વી યાદવે કહ્યું, ‘આ ‘અતીકજી’નો નહીં કાયદાનો જનાજો નીકળ્યો છે.’ અપરાધના ખાત્મા માટે કાયદો છે.
હત્યાકાંડ સુપ્રીમમાં પહોંચ્યોઃ બે SIT રચાઈ
અતીક અને અશરફ ભાઇઓના હત્યાકાંડનો મામલો
હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. સર્વોચ્ચ અદાલતમાં આ માટે બે અરજી કરાઈ છે. યુપીની પોલીસ અને સરકાર પર બેદરકારી માટે માછલાં ધોવાઈ રહ્યાં છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ ઘટનાની તપાસ માટે બે એસઆઇટીની રચવા કરાઈ છે. હાલમાં અતીક અને અશરફના ત્રણેય હત્યારાને 14 દિવસના રિમાન્ડ પર સોંપી દેવાયા છે. અફવા રોકવા ઇન્ટરનેટ સેવા બંધ કરાઈ હતી.

