એક જ સપ્તાહમાં કર્ણાટક ભાજપના 8 મોટા નેતાએ પક્ષને અલવિદા કહ્યું

Wednesday 19th April 2023 06:36 EDT
 
 

મૈસૂરઃ કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપ એક પછી એક આંચકા અનુભવી રહ્યો છે. ટિકિટ કપાતાં પૂર્વ મુખ્યમંત્રી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી, વર્તમાન ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્ય પણ પક્ષ છોડી રહ્યા છે. ભાજપ છોડીને ગયેલા પૈકી અનેક નેતા કોંગ્રેસનો હાથ પકડી ચૂક્યા છે. એક જ સપ્તાહમાં આઠ મોટા નેતા પક્ષ છોડી ચૂક્યા છે, તેમાં પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટાર અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી લક્ષ્મણ સાવદીનો સમાવેશ થાય છે. બંને કોંગ્રેસમાં સામેલ થઈ ચૂક્યા છે. શેટ્ટાર સોમવારે કોંગ્રેસમાં જોડાયા તો સાવદી 14 એપ્રિલે કોંગ્રેસમાં જોડાયા હતા.
સાવદી બેલગાવીની અથાની બેઠક પર 2018માં કોંગ્રેસના મહેશ કુમાથલ્લી સામે હાર્યા હતા. આ વખતે કુમાથલ્લીને ભાજપે ટિકિટ આપી છે. સાવદી કોંગ્રેસની ટિકિટ પર તેમનો મુકાબલો કરશે. બંને ઉમેદવારો એ જ રહેશે પણ પક્ષ બદલાઈ જશે. નહરુરૂ ઓલેકર, એમ.પી. કુમારસ્વામી, આર. શંકર, ગુલીહટ્ટી ડી.શેખર પણ ટિકિટ ન મળતાં પક્ષને અલવિદા કહી ચૂક્યા છે.
શેટ્ટરે ઓફર પણ ઠુકરાવી: બોમ્મઇ
કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન અને મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇ રવિવારે શેટ્ટારને તેમના નિવાસે મળવા પણ ગયા હતા. શેટ્ટારના પરિવારજનોને ટિકિટ આપવા ઉપરાંત શેટ્ટારને કેન્દ્રમાં મહત્ત્વનું પદ આપવાની ઓફર કરી હતી, પરંતુ શેટ્ટાર માન્યા નહોતા. શેટ્ટારને ગવર્નર કે કેન્દ્રીય પ્રધાનપદની ઓફર થઈ હતી, પરંતુ શેટ્ટારે તેમની એક વાત નહોતી માની.


comments powered by Disqus