આણંદપરઃ ગ્લોબલ વોર્મિંગની અસર હેઠળ પર્યાવરણને માઠી અસર પહોંચી રહી છે. ઋતુકાળમાં બદલાવ આવતાં એક જ દિવસમાં ત્રણ-ત્રણ ઋતુનો અનુભવ થાય છે. વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની ટહેલ નખાય છે, છતાં હજુપણ લોકોમાં વૃક્ષારોપણ પ્રત્યે એટલી જાગૃતિ નથી. તેવા તબક્કામાં નખત્રાણાનું જિયાપર ગામ લોકો માટે ઉદાહરણરૂપ બની રહ્યું છે.
જિયાપર ગામ ચૌદસોથી પંદરસોની વસ્તી ધરાવે છે. અહીં લોકોની વસ્તી કરતાં વૃક્ષોની સંખ્યા અઢી ગણી છે. 3500 જેટલાં વૃક્ષોમાં લીમડાનાં વૃક્ષો અન્ય વૃક્ષો કરતાં ચાર ગણાં વધારે છે. અહીં લીમડાના ઝાડ બાદ બદામનાં ઝાડ સૌથી વધુ જોવા મળે છે. જિયાપરના દરેક ઘરની બહાર લીમડો અને બદામનાં ઝાડ લગાવવામાં આવ્યાં છે, જેનાથી પર્યાવરણને ફાયદો થવાની સાથે લોકોને ઠંડક પણ મળેે છે.
સરકાર દ્વારા પણ વૃક્ષારોપણ પર ભાર મુકાય છે. ત્યારે દરેક ગામ જિયાપરથી પ્રેરણા લઈને વૃક્ષારોપણ કરે તો ગ્લોબલ વોર્મિંગ અને ઋતુચક્રને થયેલા નુકસાનથી બચી શકાય છે. આ ઉપરાંત લોકો ગરમીથી રાહત પણ મેળવી શકે છે.

