બોટાદઃ લાખણકા ગામના શિક્ષક મનીષભાઈ જેઠવાએ બાળકોને શિક્ષિત કરવાનો એક નવો જ પ્રયોગ શરૂ કર્યો છે. મનીષ જેઠવાએ ગામની દીવાલોને બ્લેકબોર્ડ બનાવી દીધું છે અને તેના પર વિજ્ઞાન, ગણિત અને ભાષાને લગતાં પેઇન્ટિંગ કરાવી દીધાં છે. તેમના આ અભિગમથી લાખણકા ગામનાં બાળકો રમવાની સાથે શિક્ષિત પણ થઈ રહ્યાં છે. તેમના આ ક્રાંતિકારી વિચાર થકી બાળકોનું ગણિતનાં સૂત્ર અને સામાન્ય જ્ઞાન તો વધે જ છે, સાથોસાથ દીવાલો પરનાં સુંદર સુશોભનથી અંગ્રેજી અને ગુજરાતી ભાષાની સમજ પણ મળી રહી છે.
સામાન્ય રીતે શાળાથી છૂટ્યા બાદ બાળકો રમવામાં અને પરિવાર સાથે પોતાનો સમય પસાર કરતાં હોય છે, પરંતુ જો બાળકો આ નવરાશના સમયનો ઉપયોગ સામાન્ય જ્ઞાનમાં વધારો કરીને ગણિત, વિજ્ઞાન, ગુજરાતી સહિતના વિષયોનો પાયો પાક્કો કરવામાં કરે તો શ્રેષ્ઠ ભવિષ્યનું નિર્માણ થઈ શકે છે.
ગામની દીવાલ બોલે છે
બાળકોને અને ગ્રામજનોને શિક્ષિત અને દીક્ષિત કરતાં શિક્ષકે પોતાની આ પહેલ વિશે જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં વિદ્યાર્થીઓની શિક્ષણ પ્રક્રિયા ચાલુ રહે તે માટે ‘ગામની દીવાલો બોલે છે' પ્રયોગનો વિચાર આવ્યો હતો.

