બ્રિટિશ ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપે મુખ્યમંત્રીની મુલાકાત લીધી

Wednesday 19th April 2023 06:01 EDT
 
બ્રિટિશ પાર્લામેન્ટના કન્ઝર્વેટિવ પાર્ટી, લેબર પાર્ટી, સ્કોટિશ નેશનલ પાર્ટી અને અપક્ષ-ક્રોસ બેન્ચના મળીને 8 પાર્લામેન્ટ મેમ્બર્સે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. 
 

ગાંધીનગરઃ બ્રિટિશ ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ યુકે અને ભારત-ગુજરાત વચ્ચે ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ સંદર્ભે ભારતની મુલાકાતે છે, ત્યારે આ ગ્રૂપના 8 સભ્યો દ્વારા ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મહત્ત્વની બેઠક યોજાઈ હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની મુલાકાતમાં બ્રિટન પાર્લામેન્ટરી ગ્રૂપની કન્ઝર્વેટિવ પાર્ટી, લેબર પાર્ટી, સ્કોટિશ પાર્ટી અને અપક્ષ – ક્રોસ બેન્ચના કુલ મળી 8 સભ્યો હાજર રહ્યા હતા. આ તમામ સભ્યોનું મુખ્યમંત્રી દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને દિશાદર્શનમાં ગુજરાત દેશના સર્વગ્રાહી વિકાસનું રોલ મોડેલ સ્ટેટ બન્યું છે તેની વિશદ ભૂમિકાની માહિતી ડેલિગેશનને આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇની વિઝનરી લીડરશીપને કારણે દેશ-વિદેશ સાથે વેપાર-ઉદ્યોગ વ્યાપકપણે વિકસ્યો છે અને ગુજરાત તેમના નેતૃત્વમાં અન્ય રાજ્યો અને રાષ્ટ્રો સાથે હંમેશાં ઉષ્માપૂર્ણ સંબંધો માટે તત્પર છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રો-એક્ટિવ પોલિસી મેકિંગ, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ અને ઇન્વેસ્ટર્સ ફ્રેન્ડલી એપ્રોચ તેમજ રોબસ્ટ ઇન્ડસ્ટ્રીયલ અને લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સુવિધાપૂર્ણ ગુણવત્તાયુક્ત સમાજજીવનને કારણે ગુજરાત મોસ્ટ પ્રિફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બન્યું છે તેની વિસ્તૃત છણાવટ કરી હતી.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે વેપાર, ઉદ્યોગ, મેન્યુફેક્ચરિંગ તમામ ક્ષેત્રે ગુજરાત અન્ય રાજ્યો કરતાં આગળ રહ્યું છે અને વાઇબ્રન્ટ સમિટની સફળતાને પગલે વિદેશી રોકાણોની પહેલી પસંદગી બન્યું છે.
ગુજરાતમાં વ્યાપાર-ઉદ્યોગ માટે એવું સાનુકૂળ વાતાવરણ બન્યું છે. ગુજરાતમાં પોતાનો વ્યવસાય શરૂ કરનારા રોકાણકારો પછી ગુજરાતમાં જ સ્થાયી થઈ જાય છે, અન્ય ક્યાંય જતા નથી. મુખ્યમંત્રીએ સોલાર તથા વિન્ડ એનર્જી ઉત્પાદનમાં અને ગ્રીન-ક્લીન ઊર્જામાં ગુજરાત દેશમાં 15 ટકા જેટલું યોગદાન આપતું હોવાની પણ વિગતો આપી હતી.


comments powered by Disqus