રાજકોટ વીંછિયામાં તાંત્રિક વિધિમાં પતિ-પત્નીએ હવનકુંડમાં મસ્તકની આહુતિ આપી

Wednesday 19th April 2023 06:01 EDT
 
 

રાજકોટઃ જિલ્લાના વીંછિયામાં અંધશ્રદ્ધામાં પતિ-પત્નીએ પોતાની આહુતિ આપી દીધી હોવાની ઘટના સામે આવી છે. તાંત્રિક વિધિ વખતે પતિ-પત્નીએ કમળ પૂજા કરીને હવનકુંડમાં પોતાના મસ્તકની આહુતિ આપી હતી. આહુતિ સીધી હવનમાં પડે માટે પતિ-પત્નીએ માંચડો પણ ગોઠવ્યો હતો. પોલીસને તપાસ દરમિયાન સ્યૂસાઇડ નોટ મળી છે.
રાજકોટ જિલ્લાના વીંછિયા મોઢુકા રોડ પર ભોજાભાઈ મકવાણાની વાડીએ તેમના પુત્ર હેમુભાઈ મકવાણા અને પુત્રવધૂ હંસાબહેને અંધશ્રદ્ધામાં પોતાની જાતે જ બલિ ચડાવી હોવાનું સામે આવ્યું છે. દંપતી બલિ ચડાવવાના આગલા દિવસે તેમના સગીર દીકરા-દીકરીને મામાના ઘરે મૂકી આવ્યું હતું. એ પછી પતિ-પત્ની પૂજાવિધિનો સામાન લઈને ખેતર જતા રહ્યાં હતાં. રવિવારે દીકરી વાડીએ પહોંચી ત્યારે માતા-પિતાની આ હાલતની જાણ થઈ હતી. મૃતક હંસાબેનના પિતરાઈ ભાઈ જયંતીભાઈ જતાપરાએ જણાવ્યું હતું કે, બહેન-બનેવી ધાર્મિક હતાં. ઘરે રામાપીરનું મંદિર છે, છેલ્લા બે માસથી વાડીએ હવનકુંડ બનાવ્યો છે. ગઈકાલે મારાં બહેન હંસાબહેન તેમનાં દીકરા અને દીકરીને મારા ભાઈના ઘરે મૂકીને ચાલ્યા ગયાં હતાં. બનેવી મજૂરી કામ કરે છે, તેમને આર્થિક કોઈ ખેંચ નથી. તેમને કોઈ ગુરુ કે ભૂવા ન હતા.
પોલીસ તપાસમાં ખેતરમાં આહુતિના સ્થળે એક શિવલિંગ સ્થાપેલું મળ્યું હતું. અબીલ-ગુલાલથી કોઈ દેવતાના ફોટો અને હાથે બનાવેલી કોઈ દેવતાની મૂર્તિને ફૂલહાર કરાયો હતો, તો ત્યાં લીંબુ, માળા અને કળશ પણ પડ્યાં હતાં. પતિ-પત્નીએ હવનકુંડમાં કમળપૂજા કર્યાના બનાવમાં બે સ્યૂસાઇડ નોટ પણ મળી છે.
માંચડામાં પર ધારદાર હથિયાર ગોઠવ્યું હતું
જૂના જમાનામાં રાજા-મહારાજા અને અંગ્રેજો મૃત્યુદંડની સજા માટે ગિલોટીન વાપરતા હતા. અહીં પણ આવો દેશી માંચડો તૈયાર કર્યો હતો. માંચડામાં ભારેખમ લોખંડના ધારદાર હથિયારને ઉપર ગોઠવ્યું હતું, જેની દોરીને છોડી દેવાતાં હથિયાર નીચે ધસી આવ્યું હતું, જેમાં પતિ અને પત્નીનાં મસ્તક કપાઈ ગયાં હતાં.


comments powered by Disqus