સુરતઃ સુરત મનપામાં વિરોધપક્ષની ભૂમિકા ભજવતી આમ આદમી પાર્ટી માટે શુક્રવારનો દિવસ બ્લેક ફ્રાઇડે બની ગયો હતો. આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા વધુ છ કોર્પોરેટર એકસાથે બળવો કરી ભાજપમાં જોડાઈ ગયા હતા. આ સાથે આપમાંથી ભાજપમાં જોડાયેલા કુલ કોર્પોરેટરોની સંખ્યા વધીને 10 થઈ હતી.
વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર થયા બાદ આમ આદમી પાર્ટી વેરવિખેર થઈ ચૂકી છે. પક્ષમાં ખેંચતાણ દિવસે દિવસે તેજ બની રહી છે. આના કારણે સુરતમાં આપના ચિન્હ પર ચૂંટાઈ પાલિકાના સભ્ય બનેલા કોર્પોરેટરોએ આમ આદમી પાર્ટીને રામ-રામ કરવાનું શરૂ કર્યું છે. ગત ફેબ્રુઆરીમાં એકસાથે પાંચ કોર્પોરેટરે બળવો કરી ભાજપનો ખેસ ધારણ કર્યા બાદ શુક્રવારે વધુ છ કોર્પોરેટરે આમ આદમી પાટી સાથે છેડો ફાડી નાખ્યો હતો. પાલિકાના સરદાર ખંડમાં વિરોધનો સૂર ઉઠાવનારા કોર્પોરેટર ઘનશ્યામ મકવાણા, ધર્મેન્દ્ર વાવલીયા, કે.કે. ધામી, નિરાલી પટેલ, કિરણ ખોખાણી, સ્વાતિ ક્યાડાએ મોડી રાતે શહેર ભાજપ કાર્યાલય ખાતે કેસરિયો ધારણ કરી લીધો હતો. શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ તમામ છ કોર્પોરેટરને ખેસ પહેરાવી પક્ષમાં પ્રવેશ અપાવ્યો હતો.

