વેરાવળ: માતા અને માતૃભૂમિ સ્વર્ગથી પણ ઊંચેરાં છે, એ શ્લોકોક્તિ અને ભાવનું જીવંત ઉદાહરણ વેરાવળ રેલવે સ્ટેશન પર જોવા મળ્યું હતું. મૂળ સૌરાષ્ટ્રના એવા તમિલ બાંધવોએ 1200 વર્ષ બાદ તામિલનાડુથી વતનની મુલાકાતે સોમનાથ ખાતે આવી હર્ષની લાગણી સાથે વતનની માટીને અહોભાવથી સ્પર્શ કરીને કપાળે તિલક કરીને માતૃભૂમિને નમન કર્યું હતું.
સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમનો સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, તેલંગાણાના ગર્વનર તમિલીસાંઇ સોંદરરાજન અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાયો હતો. સોમનાથ સાંનિધ્યે સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમના પ્રારંભ પ્રસંગે ગુજરાત સરકાર અને પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે સંપૂર્ણ સૌરાષ્ટ્ર-તમિલ સંગમના 1000 વર્ષના ઇતિહાસને ચિત્રોમાં કંડારી પુસ્તક પ્રકાશિત કરાયું હતું.
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે, સોમેશ્વર અને રામેશ્વરમ્ સંસ્કૃતિને જોડતો આ અદભુત સંગમ છે. સીમા સુરક્ષાની જેમ અસ્મિતાને જાળવવા સાંસ્કૃતિક સુરક્ષા જરૂરી છે.
તેલંગાણાના રાજ્યપાલ તમિલીસાંઈ સોંદરરાજને કહ્યું કે, ચાઇનીઝ અને યુરોપિયન સિલ્કથી પણ શ્રેષ્ઠ તેવું સિલ્ક આપણને પહેરવા ન મળત જો આપણા સૌરાષ્ટ્રના સિલ્ક કારીગર ભાઈઓ અહીં આવ્યા ન હોત.
તમિલ સમાજમાં પોતાની સમાજસેવાથી ખ્યાતિપ્રાપ્ત એલ. કે. તુલસીરામને યાદ કરતાં ઉમેર્યું હતું કે તે મૂળ ગુજરાતી હતા. તેમણે સૌરાષ્ટ્રિયન તમિલોના શિક્ષણ અને વિકાસમાં ખૂબ યોગદાન આપ્યું હતું.
ભાવનગરના યુવરાજે તાજા કર્યા સંસ્મરણો
ભાવગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલે તેમના પૂર્વજ અને તામિલનાડુના પ્રથમ ગર્વનર મહારાજા કૃષ્ણકુમારસિંહજીના તામિલનાડુ ખાતેનાં સંસ્મરણો તાજા કર્યાં. સાથે જ તેમણે સૌરાષ્ટ્ર અને તામિલનાડુના સંબંધને જાળવવા કાર્યક્રમો કરવા અનુરોધ કર્યો હતો. આ સાથે સાંઈરામ દવેએ પરંપરા, જીવન પદ્ધતિ, ખાનપાન વગેરેના આદાન – પ્રદાન થકી સૌરાષ્ટ્ર અને તમિલનાડુના સંબંધોને વધુ મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો.

