હવે પાટણમાં સરસ્વતી નદીની પૂજા થશે

Wednesday 19th April 2023 06:01 EDT
 
 

પાટણઃ દેશમાં વારાણસીમાં ગંગા નદીના ઘાટ પર પૂજા આરાધના થાય છે, એ જ રીતે ગુજરાતમાં સૌપ્રથમ પાટણ ખાતે સરસ્વતી નદીના કાંઠે સરસ્વતી માતાની આરાધના માટે માતાજીનું મંદિર, પૂજા માટે ઘાટ અને તળાવનું નિર્માણ કરવાનું આયોજન કરાયું છે. મંદિર અને ઘાટનું નિર્માણ 1.50 કરોડ રૂપિયાના ખર્ચે ધ્રાંગધ્રાના પથ્થરોથી કરવામાં આવશે.
ઐતિહાસિક અને પવિત્ર નગરી એવા પાટણ શહેરના વૈદિક નદી સરસ્વતીના કિનારે ગુજરાતનું સૌપ્રથમ પંચતીર્થ કે જ્યાં સરસ્વતી નદી, સરસ્વતી પીપળવન, સરસ્વતી મંદિર, સરસ્વતી તળાવ અને સરસ્વતી ઘાટ દ્વારા પર્યાવરણની જાળવણી માટે તંત્રએ ફાળવેલી જમીનમાં 45 હજાર વૃક્ષોનું પ્રકૃતિવન આકાર લેશે. ઉપરાંત પ્રકૃતિ અને સંસ્કૃતિના સંગમ સાથે આજના ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જની વૈશ્વિક લડતને પહોંચી વળવા આર્યવ્રત નિર્માણ ચેરિટેબલ ટ્રસ્ટ અને વિવિધ શૈક્ષણિક, સામાજિક, સ્વૈચ્છિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે રવિવારે પાટણના સરસ્વતી પીપળવન, સહસ્ત્ર તરુવન, સરસ્વતી નદીના કાંઠે માતરવાડી પાસે પંચતીર્થનો શિલાન્યાસ સાથે દાતા પરિવારનો સન્માન સમારોહ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.
મંદિરનું નિર્માણકાર્ય 2 વર્ષમાં પૂરું થશે
આર્યવ્રત નિર્માણ ટ્રસ્ટના પ્રમુખ નિલેશ રાજગોરે જણાવ્યું, ધ્રાંગધ્રાના સોમપુરા બ્રાહ્મણોની ચોથી પેઢી મંદિર માટે કોતરણીયુક્ત પથ્થરો તૈયાર કરે છે. મંદિર નિર્માણ 9 મહિનામાં તેમજ ઘાટ - તળાવ સહિતનાં અન્ય કામ અંદાજે બે વર્ષમાં થશે.


comments powered by Disqus