અજિત પવાર અને તેમના ધારાસભ્યો ફરી એનસીપીના વડા શરદ પવારને મળ્યા

Wednesday 19th July 2023 07:44 EDT
 
 

મુંબઈઃ અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) અને તેના 15 ધારાસભ્યો 24 કલાકમાં બીજી વખત મુંબઇમાં વાય.બી. ચવાણ સેન્ટર ખાતે શરદ પવારને મળ્યા હતા અને પાર્ટીને એક રાખવા માટે તેમને વિનંતી કરી હતી. જો કે એનસીપીના એક પ્રવક્તાએ કહ્યું હતું કે, આવી મિટિંગ્સનો કોઈ મતલબ નથી, કેમ કે અલગ પડેલા જૂથનું પગલું સુધારી શકાય નહીં અને તેનાથી વિશ્વાસનો ભંગ થયો છે. એનસીપીથી અલગ થઈને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકેનો હોદ્દો સંભાળ્યા બાદ અજિત પવાર બે દિવસમાં એનસીપી સુપ્રીમો શરદ પવારને બે વખત મળ્યા છે. આ મિટિંગના ભાગ રહેલા રાજ્યસભાના સાંસદ પ્રફુલ્લ પટેલે કહ્યું હતું કે, આજની મિટિંગમાં અમે ફરીથી પાર્ટીને અકબંધ રાખવા શરદ પવારને કહ્યું હતું. હું અને અજિત પવાર દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની આગેવાનીમાં યોજાનારી એનડીએની મીટિંગમાં હાજરી આપીશું. જો કે એનસીપીના રાષ્ટ્રીય પ્રવક્તા ક્લાયડ ક્રેસ્ટોએ આ મીટિંગને નિષ્ફળ પ્રયાસ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે, હવે તો વિશ્વાસના પુલ નીચેથી ઘણું પાણી
વહી ગયું છે. ઉલ્લેખનીય છે કે રવિવારે પણ નાયબ મુખ્યમંત્રી અને તેમના જૂથના અન્ય મંત્રીઓ શરદ પવારને વાય.બી. ચવાણ સેન્ટર ખાતે મળ્યા હતા.


comments powered by Disqus