ચંદ્રયાન-3ને ચંદ્ર સુધી પહોંચાડવા માટે જામનગરનો મહત્ત્વનો ફાળો

Wednesday 19th July 2023 06:54 EDT
 
 

જામનગરઃ ભારતે અવકાશમાં ચંદ્રયાન-3ને લોન્ચ કરી ઐતિહાસિક ઉડાન ભરી છે, ત્યારે આ ચંદ્રયાન-3ને અંતરીક્ષમાં રવાના કરવામાં હાલારનો પણ મહત્ત્વનો ફાળો રહ્યો છે. ઇસરોએ લોન્ચ કરેલા ચંદ્રયાન-3ને છોડવા માટેના રોકેટનું નિર્માણ કરવા માટે ભારત સરકારના ડીઆરડીઓ તરફથી જામનગરના ઔદ્યોગિક એકમ ગીતા મશીન ટૂલ્સને મશીન બનાવી આપવાનો ઓર્ડર અપાયો હતો.
ગીતા મશીન ટૂલ્સના માલિક સરદારસિંહજી જાડેજા અને વસંતભાઈ ભદ્રાએ જણાવ્યું હતું કે, જામનગરમાં આ મહાકાય મશીન બનાવવામાં 25-30 ટેકનિકલ નિષ્ણાતો કામે લાગ્યા હતા અને સંપૂર્ણ રીતે કોમ્પ્યુટરાઇઝ્ડ પ્રોગ્રામિંગ સાથેનું આ મશીન તૈયાર કરી તેના આ ભાગોને અલગ-અલગ ટ્રક મારફતે હૈદરાબાદ મોકલવામાં આવ્યાં હતાં. આ સીએનસી મશીનના નિર્માણ માટે ઇમ્પોર્ટેડ કોમ્પ્યુટર પાર્ટ્સ વાપરવામાં આવ્યા છે, જ્યારે અન્ય તમામ પાર્ટ્સ અહીં બનાવવામાં આવ્યા હતા અને મશીન તૈયાર કરવામાં આવ્યું હતું. હૈદરાબાદમાં આ મશીનના ભાગોને જોડીને તૈયાર કરી ત્યાંના અધિકારીઓને સોંપાયું હતું અને મશીનની તમામ ચકાસણી કર્યા બાદ તેનો ઉપયોગ ચંદ્રયાનના રોકેટના પાર્ટ્સ બનાવવામાં કરાયો હતો.


comments powered by Disqus