ધાર્મિક કાર્યક્રમોમાં ધૂમ મચાવશે મહિલા બેન્ડ

Wednesday 19th July 2023 06:52 EDT
 
 

માંડવીઃ સામાન્ય સંજોગોમાં બેન્ડ પાર્ટીમાં પુરુષો જોવા મળે છે, પરંતુ માંડવીમાં કચ્છની પ્રથમ મહિલા બેન્ડ પાર્ટી બની છે. વૃંદાવન ઓર્ગન મ્યુઝિક બેન્ડ પાર્ટીમાં ભારતીય પહેરવેશ સાથે મહિલાઓ કલાનાં કામણ પાથરશે. સનાતન હિન્દુ સમાજના ધાર્મિક કાર્યક્રમોમાં જો આમંત્રણ મળશે તો વિનામૂલ્યે સૂરાવલિ રેલાવશે. લગ્ન અને ધાર્મિક પ્રસંગમાં બેન્ડ પાર્ટીઓ તગડો ચાર્જ વસૂલતી હોવાથી માંડવી મહિલા સ્વામિનારાયણ મંદીરના મહંત રતનબાઈ વેકરિયા, ઉપમહંત પ્રેમિલાબહેન હિરાણી, કાનબાઈ હિરાણી, મેઘબાઈ હિરાણી, રામબાઈ કેરાઈએ પ્રેરણા આપતાં 26 મહિલાની કચ્છની પ્રથમ બેન્ડ પાર્ટી અસ્તિત્વમાં આવી છે.
સામૈયા માટે ત્રણ ગાયિકા, સાઇડ ડ્રમ, થાપી, બ્રાસ, ઢોલ સહિતની મહિલા બેન્ડ પાર્ટીએ રેલાવેલા સંગીતના સૂરોથી ઉપસ્થિત સહુ અભિભૂત થયા હતા. બેન્ડ પાર્ટીને તૈયાર કરવામાં માંડવી લેઉઆ પટેલ મહિલા મંડળનાં પ્રમુખ પ્રેમીલાબહેન વેલજી હિરાણીને જવાબદારી સોંપાતાં તેમના નેતૃત્વ હેઠળ ટીમ બનાવવા માટે 60 દિવસની સતત પ્રેક્ટિસ કરવામાં આવી હતી. જેમાંથી 26 પરિણીત મહિલાને પસંદ કરાઈ છે.
ધંધાદારી બેન્ડ પાર્ટીઓ એકંદરે રૂ. 10થી 15 હજાર જેવી રકમ લેતી હોય છે. સનાતન હિન્દુ સમાજના ધાર્મિક કાર્યક્રમમાં કોઈપણ ચાર્જ લીધા વિના મહિલા ઓર્ગન મ્યુઝિક બેન્ડ પાર્ટી સેવા આપશે. કચ્છ આખામાં ગમે ત્યાં આમંત્રણ મળે ત્યાં બેન્ડપાર્ટી જશે, જેમાં માત્ર વાહનવ્યવહારની વ્યવસ્થા નિમંત્રકે કરી આપવાની રહેશે તેમ રમીલાબહેન વિરાણીએ કહ્યું હતું.


comments powered by Disqus