વલ્લભવિદ્યાનગરઃ આણંદ જિલ્લાના બોરિયાવીથી વાસદ સુધીના માર્ગ પર આવતાં 11 ગામો બોરિયાવી, સામરખા ગામડી, ચિખોદરા, વાસી, મોગર, રામનગર, અડાસ, આંકલાવડી, રાજુપુરા અને વાસદ ગામમાંથી બુલેટ ટ્રેન પસાર થવાની હોઈ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટમાં વિસ્તારના ખેડૂતો, ઉદ્યોગોના 546 પ્લોટની 4 લાખ, 73 હજાર 030 ચોરસ મીટર જમીન 546 કબજેદારો પાસેથી સંપાદન કરીને તેઓને રૂ. 260.45 કરોડથી વધુ રકમ ચૂકવીને જમીનનો કબજો લેવાયો છે. પ્રોજેક્ટની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન હાઇસ્પીડ પ્રોજેક્ટની કામગીરી રોકેટ ગતિએ ચાલી રહી છે. આણંદ જિલ્લામાં જમીન સંપાદનની કામગીરી પૂર્ણ થતાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સમગ્ર પ્રોજેક્ટ પર સીધું પીએમઓ કાર્યાલયથી મોનિટરિંગ થાય છે. જિલ્લાના બોરિયાવી, સામરખા ગામડી, ચિખોદરા, વધાસી, મોગર, રામનગર, અડાસ, આંકલાવડી, રાજુપુરા અને વાસદ ગામના 546 ખાતેદારોની રેલવે કોરિડોર નિર્ધારિત વિસ્તારમાંથી પસાર થતી હોઈ તે જમીનો સંમતિ કરાર સાથે સંપાદન કરાઈ છે.
બુલેટ ટ્રેનમાં અમદાવાદથી મુંબઈ 3:10 ક્લાકમાં પહોંચાશે
અમદાવાદ-મુંબઈ હાઇસ્પીડ બુલેટ ટ્રેન રેલ કોરિડોરથી મુસાફરીના સમયગાળામાં નોંધપાત્ર ઘટાડો થશે. ટ્રેનને અમદાવાદથી મુંબઈ સુધીનું 520 કિ.મી.નું અંતર કાપતાં 3 કલાક અને 10 મિનિટનો સમય લાગશે. મુસાફરો બુલેટ ટ્રેનના આધુનિક ડિઝાઇન, સ્ટ્રક્ચર ધરાવતા કમ્પાર્ટમેન્ટમાં મર્યાદિત સમયમાં આરામપૂર્ણ મુસાફરીનો આનંદ માણી શકશે.

