અમદાવાદઃ રાજ્યસભાના ત્રણેય ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. કેન્દ્રીય વિદેશમંત્રી એસ. જયશંકર, બાબુભાઈ દેસાઈ અને કેસરીદેવસિંહ ઝાલા 20 જુલાઈએ રાજ્યસભાના સાંસદ તરીકે દિલ્હીમાં શપથ ગ્રહણ કરશે.
રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે ઉમેદવાર તરીકે કેન્દ્રીય વિદેશમંત્રી એસ. જયશંકર, બાબુભાઈ દેસાઈ અને કેસરીદેવસિંહ ઝાલાની પસંદગી કરી હતી. બે નવોદિત ચહેરાની પસંદગી થતાં કેટલાય સિનિયરના ભવાં ચડ્યા છે. ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે એકેય રાજ્કીય પક્ષે ફોર્મ ભર્યું ન હોવાથી ભાજપના ત્રણેય ઉમેદવારોને વિજેતા ઘોષિત જાહેર કરાયા હતા. નોંધનીય છે કે અપક્ષ ઉમેદવારે પણ ફોર્મ પાછાં ખેંચી લીધાં હતાં. ગુજરાતમાં રાજ્યસભાની કુલ 11 બેઠક પૈકી 8 બેઠક પર ભાજપે કબજો મેળવી લીધો છે. ત્રણેય ઉમેદવાર વિજેતા થતાં રાજ્યસભામાં ભાજપના સાંસદોનું સંખ્યાબળ વધ્યું છે.
આગામી એપ્રિલ-2024માં વધુ ચાર સાંસદની મુદત પૂર્ણ થવા જઈ રહી છે, જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલા ઉપરાંત કોંગ્રેસના સાંસદ અમીબહેન યાજ્ઞિક અને નારણ રાઠવાનો સમાવેશ થાય છે. ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોનું સંખ્યાબળ પૂરતું ન હોવાથી રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર ઊભો રાખી શકશે નહીં. આ જોતાં ચારેય બેઠક પણ ભાજપના ફાળે જ જશે. ટૂંકમાં જૂન 2026 સુધી કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ એકમાત્ર રાજ્યસભા સાંસદ હશે.
રાજવીની સંપત્તિ કરતાં બાબુભાઈનું ધિરાણ વધુ
ભાજપે રાજ્યસભાની ચૂંટણી માટે પસંદ કરેલા ઉમેદવાર વાંકાનેરના રાજવી કેસરીદેવસિંહ ઝાલાની બધી મિલકતનો કુલ સરવાળો કરીએ તેના કરતાં સાડા ચાર ગણા વધુ રૂપિયા બીજા ઉમેદવાર બાબુ દેસાઈએ અન્યોને ધિરાણપેટે આપ્યા છે. કેસરીદેવસિંહે પોતાની અને પત્નીની તથા પૈતૃક વારસામાં મળેલી મિલકત રૂ. 32.56 કરોડ દર્શાવી છે. તેની સામે બાબુ દેસાઈએ ધિરાણપેટે આપેલાં નાણાંનો સરવાળો જ રૂ. 143.36 કરોડ થાય છે.

