નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગાંધીએ શનિવારે સુપ્રીમ કોર્ટમાં ગુજરાત હાઇકોર્ટના 7 જુલાઈના આદેશને પડકાર્યો હતો. ગુજરાત હાઇકોર્ટે મોદી અટક અંગેના માનહાનિના કેસમાં સુરતની કોર્ટે આપેલી સજામાંથી રાહુલને રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. આ અપીલ ગાંધી દ્વારા એડવોકેટ ઓન-રેકોર્ડ મારફતે દાખલ કરવામાં આવી છે. સુરતની કોર્ટે ફોજદારી માનહાનિના આરોપમાં રાહુલને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. આ ચુકાદાને રાહુલે હાઇકોર્ટમાં પડકાર્યો હતો. હાઇકોર્ટે રાહુલની અપીલને ફગાવતાં જણાવ્યું હતું કે, નીચલી અદાલત દ્વારા આપેલો નિર્ણય યોગ્ય જ છે.
પૂર્ણેશ મોદીની સુપ્રીમમાં કેવિએટ
ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સુપ્રીમમાં કેવિએટ દાખલ કરી છે અને માગણી કરી છે કે રાહુલ ગાંધી કોઈ અરજી સુપ્રીમ કોર્ટમાં કરે તો તેમની અરજીની સુનાવણી દરમિયાન અમને પણ સાંભળવામાં આવે. પૂર્ણેશ મોદીના વકીલ પી.એસ. સુધીર દ્વારા સુપ્રીમ કોર્ટમાં કેવિએટ દાખલ કરવામાં આવી છે.

