વિપક્ષના 26ના પડકાર સામે એનડીએનો 38નો દાવો

Wednesday 19th July 2023 07:37 EDT
 
 

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલાં શતરંજની રાજકીય ગોઠવણો શરૂ થઈ ચૂકી છે. પ્યાદાથી લઈને વજીર તમામ પોતપોતાનું સ્થાન શોધવા લાગ્યા છે. વિપક્ષે 26 પક્ષનું જોડાણ રચ્યું છે, તો શાસક પક્ષે પોતે પણ 38 પક્ષ તેની બેઠકમાં હાજર રહેશે તેમ જણાવ્યું છે. આમ ફરીથી એનડીએ વિરુદ્ધ યુપીએનો તખ્તો ઘડાઈ રહ્યો છે. તેની સાથેસાથે 2024 પહેલાં એકબીજાનું પાણી માપવાની કવાયત શરૂ થઈ ગઈ છે.
ભાજપના પ્રમુખ જે.પી. નડ્ડાએ જણાવ્યું હતું કે, નેશનલ ડેમોક્રેટિક એલાયન્સની મંગળવારે યોજાનારી બેઠકમાં 38 પક્ષોએ ભાગ લેવા સંમતિ દાખવી છે. તેમણે દાવો કર્યો હતો કે, વર્ષો વિતવાની સાથે તેમની પહોંચ અને વ્યાપ વધ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, એનડીએના ઘટકપક્ષોને વડાપ્રધાન મોદીની નીતિઓ અને તેમની સરકારી યોજનાઓમાં વિશ્વાસ છે.
જ્યારે વિપક્ષે યુનાઇટેડ વી સ્ટેન્ડના નેજા હેઠળ કર્ણાટકમાં બેંગાલુરુમાં 26 પક્ષોની બેઠક યોજી હતી. તેમની બે દિવસની બેઠકનો મંગળવારે પહેલો દિવસ હતો. યુનાઇટેડ વી સ્ટેન્ડના નેજા હેઠળ બેંગાલુરુની વિવિધ ગલીઓમાં પોસ્ટર લાગેલાં હતાં. તેમાં કોંગ્રેસનાં નેતા સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી હતાં. આ ઉપરાંત બેઠકમાં ટીએમસીનાં સુપ્રીમો મમતા બેનર્જી, આપના સંયોજક અરવિંદ કેજરીવાલ, ડીએમકેના વડા એમ.કે. સ્ટાલિનની સાથે ડાબેરીઓ અને કેટલાંક પ્રાદેશિક એકમોના પક્ષ છોડી દીધેલા નેતાઓએ ભાગ લીધો હતો. આ ઉપરાંત બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમાર, તામિલનાડુના ડીએમકેના સ્ટાલિન, સપાના અખિલેશ યાદવ, આરજેડીના લાલુપ્રસાદ અને તેમના પુત્ર તથા બિહારના નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવે અને અન્ય ડાબેરી નેતાઓએ ભાગ લીધો હતો.
શક્તિપ્રદર્શનની સાથે સાથે...
• ભારતીય રાષ્ટ્રીય સમિતિ- બીઆરએસના વડા કે. ચંદ્રશેખર રાવના પ્રયાસોથી તો વિપક્ષની એકતા બેઠકો શરૂ થઈ હતી, પરંતુ કે.સી.આર હવે વિપક્ષની બેઠકમાં હાજર રહેવાના નથી. થોડા સમયથી કેસીઆર પણ બિનજોડાણવાદ તરફ છે. ભાજપ સાથે ગઠબંધન થાય એવી શક્યતા તો નહિવત્ છે. હાલ પૂરતું યુપીએ સાથે પણ અંતર રાખ્યું છે.
• ટીડીપીના વડા ચંદ્રાબાબુ નાયડુએ ભાજપ હાઇકમાન્ડના નેતાઓ સાથે મુલાકાત કરી હતી, ત્યારથી એનડીએ ગઠબંધનમાં જોડાવાની અટકળો ચાલતી હતી, પરંતુ ટીડીપીએ ટિકિટ વહેંચણીમાં હિસ્સેદારી વધુ માગી હોવાથી વાત બની નથી.
• વાયએસઆર કોંગ્રેસના જગનમોહન રેડ્ડીને શરૂઆતમાં નરેન્દ્ર મોદી સાથે બહુ સારું બોન્ડિંગ હતું. જગનમોહન રેડ્ડી મોદી સરકારની પ્રશંસા પણ કરી ચૂક્યા છે અને અગાઉ ભાજપનું સમર્થન કરી ચૂક્યા છે, પરંતુ હવે ભાજપના ટોચના નેતાઓ વાયએસઆર કોંગ્રેસની સરકારની ઝાટકણી કાઢી રહ્યા છે. જો કે રેડ્ડીની મુલાકાત વડાપ્રધાન મોદી, અમિત શાહ સાથે થઈ ત્યારથી એનડીએની બેઠકમાં ભાગ લેવાની અટકળો હતી. છતાં વાયએસઆર કોંગ્રેસે બિનજોડાણવાદની નીતિ અમલી બનાવી છે.
• બસપાએ પણ એક પણ પક્ષ સાથે ન જોડાવાનું નક્કી કર્યું છે. બસપા અત્યારે ભાજપની ટીકા કરે છે એમ કોંગ્રેસની પણ ઝાટકણી કાઢે છે ને અખિલેશ યાદવને પણ નિશાન બનાવે છે. શક્ય છે કે ચૂંટણી નજીક આવે ત્યારે બસપા એનાં પાનાં ખોલે.
• નવીન પટનાયકની પાર્ટી બીજુ જનતા દળ અગાઉ એનડીએનો હિસ્સો હતી. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ ભાજપને ટેકો આપ્યો હતો, પરંતુ હવે સત્તાપક્ષ કે વિપક્ષના શક્તિપ્રદર્શનથી અંતર જાળવ્યું છે. નૈતિક ટેકો મોદીને આપું છું એવું થોડા સમય પહેલાં જાહેર કર્યું હતું.
• અકાલીદળને એનડીએમાં જોડવાની કોશિશ થઈ હતી, પરંતુ એમાં હજુ સુધી સફળતા મળી નથી. ભાજપે અમરિંદર સિંહ અને સુખદેવ સિંહની પાર્ટી શિરોમણી અકાલી દળ સંયુક્ત (ઢીંઢસા) સાથે ગઠબંધન કર્યું છે. એ સ્થિતિમાં હવે અકાલીદળ સાથે ગઠબંધન ન કરે એવી પૂરી શક્યતા છે.

ભાજપ અને કોંગ્રેસને આ મહત્ત્વના પક્ષોનું સમર્થન
એનડીએ                                   યુપીએ                                   તટસ્થ
ભાજપ-એલજેપી                      કોંગ્રેસ-જદયુ                                ટીડીપી
એઆઇએડીએમકે                ટીએમસી-આપ-સપા                     સપા-અકાલીદળ
શિવસેના (શિંદે જૂથ)           શિવસેના (ઉદ્ધવ જૂથ)                       બીઆરએસ
અપના દલ – હમ                 ડીએમકે - આરજેડી                         વાયએસઆર
એનસીપી (અજિત જૂથ)       એનસીપી (પવાર જૂથ)                      બીજુ જનતા દળ


comments powered by Disqus