સંજીવ પટેલને યુગાન્ડા માટે સંભવિત રોકાણકારોની શોધઃ રોડ-શો યોજાયો

Wednesday 19th July 2023 06:48 EDT
 
 

કમ્પાલાઃ ગુજરાતી મૂળના બિઝનેસમેન સંજીવ રમણલાલ પટેલ યુગાન્ડા માટે સંભવિત રોકાણકારોની તલાશમાં સાથ આપી રહ્યા છે. ગુજરાતના અમદાવાદમાં યુગાન્ડાના હાઇ કમિશનના અધિકારીઓ દ્વારા તાજેતરમાં ત્રણ દિવસનો રોડ-શો યોજાયો હતો, જેમાં સંજીવ પટેલ તેમની સાથે રહ્યા હતા. તેઓ એગ્રિકલ્ચર, રિઅલ એસ્ટેટ અને લોજિસ્ટિક્સ તેમજ ફાયરવર્ક્સ સહિત ટોમિલ ગ્રૂપ ઓફ કંપનીઝના ડાયરેક્ટર છે.
યુગાન્ડાના હાઇ કમિશનર જોયસ કિકાફુન્ડાએ રોડ-શોનું ઉદ્ઘાટન કરતાં જણાવ્યું હતું કે, ઇદી અમીને ઊભા કરેલા અવરોધો પાર કરીને યુગાન્ડા આગળ વધ્યું છે અને બિઝનેસ માટે ખુલ્લું છે. તેમણે યુગાન્ડામાં ઇન્વેસ્ટમેન્ટ કરવા ગુજરાતી રોકાણકારોને આમંત્રણ આપતાં કહ્યું હતું કે, ‘યુગાન્ડામાં દુકાન ખોલનારી પહેલી વ્યક્તિ ગુજરાતી જ હતી.’ યુગાન્ડામાં ભારતીય મૂળના આશરે 35 હજાર લોકો વસે છે. જો કે 1970ના દાયકામાં યુગાન્ડાથી નાસી છૂટેલા મોટા ભાગના ગુજરાતીઓ સહિત ભારતીયોની સંખ્યા પહેલા કરતાં ઘણી ઓછી છે.
કમ્પાલામાં સ્થાયી થયેલા સંજીવ રમણલાલ પટેલ સંભવિત રોકાણકારો સમક્ષ યુગાન્ડાની વાત કરતાં કહે છે કે, ‘મારો પરિવાર 100 વર્ષથી યુગાન્ડામાં રહે છે. આણંદ જિલ્લાના બોરસદના સિસવા ગામના વતની મારા દાદા જીવાભાઈ 17 વર્ષની ઉંમરે 1923માં નવી તકની શોધમાં વહાણમાં પ્રવાસ કરી યુગાન્ડા પહોંચ્યા હતા.’ પટેલના ગ્રાન્ડ પેરેન્ટ્સ યુગાન્ડા-કેન્યાની સરહદ નજીક અંતરિયાળ વિસ્તારમાં રહેતા હતા. મકાઈના લોટની મિલ અને ટેક્સટાઇલ મિલની સ્થાપના કર્યા પછી તેમનો પરિવાર સમૃદ્ધ બન્યો હતો.


comments powered by Disqus