નવી દિલ્હીઃ ગેરકાયદે પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદર પર ઉત્તરપ્રદેશની એટીએસ કાર્યવાહી કરી રહી છે. એટીએસએ સીમા હૈદરની પૂછપરછ માટે અટકાયત કરી હતી. એટીએસએ સીમાનાં આઇડી કાર્ડ હાઇકમિશનને મોકલ્યાં છે. આઇબી પાસેથી મળેલા ઇનપુટમાં સામે આવ્યું છે કે, સીમા હૈદરના કાકા પાકિસ્તાન સૈન્યમાં તહેનાત હતા, જ્યારે સીમાનો ભાઈ હાલ પણ પાક. સૈન્યમાં છે. જેને પગલે સીમા પર આઇએસઆઇની એજન્ટ હોવાની શંકા થઈ રહી છે.
આ ઉપરાંત સીમા હૈદર અને સચીન સાથે વ્હોટ્સએપ પર જે વાતચીત થઈ તેની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. તમામ પુરાવાના આધારે સીમાની ધરપકડ થઈ શકે છે. સીમા અને સચીનની લવસ્ટોરી હાલ મીડિયા અને સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. સીમા અને સચીન બંને વીડિયોગેમના માધ્યમથી ઓનલાઇન સંપર્કમાં આવ્યાં હતાં અને બંનેએ નેપાળમાં લગ્ન પણ કરી લીધાં હોવાનો દાવો કર્યો છે. સીમાએ એવો પણ દાવો કર્યો છે કે તેણે હિન્દુ ધર્મ અપનાવી લીધો છે. હાલ પાકિસ્તાનમાં પણ સીમાની ચર્ચા છે અને પાકિસ્તાનીઓ સીમાને પરત ન આવવાનું કહી રહ્યા છે.
એવામાં સીમા અને સચીનની યુપી એટીએસ દ્વારા પૂછપરછ કરાઈ રહી છે. આ ઉપરાંત સીમા નેપાળથી ભારતમાં પ્રવેશી અને તે પાક.ની જાસૂસ છે કે કેમ તેની તપાસ કરાઈ રહી છે. અગાઉ સ્થાનિક પોલીસે એટીએસ અને આઇબીને પણ સીમાની પાસેથી મળેલા પુરાવાના આધારે તપાસ કરવા પત્ર લખ્યો હતો. સીમા, સચીન અને તેના પિતાને 4 જુલાઈએ ધરપકડ બાદ 7 જુલાઈએ જામીન પર છોડી મુકાયાં હતાં. ગૌરક્ષા હિન્દુ દળે ધમકી આપી છે કે જો સીમા હૈદર પાકિસ્તાન પરત ન ગઈ તો ધરણાં કરાશે. સાથે એવો પણ દાવો કર્યો કે સીમા પાકિસ્તાની જાસૂસ છે.
સીમા હૈદરને પાકિસ્તાન મોકલવાની માગ ઊઠી રહી છે. એવામાં હવે સીમાના પતિ ગુલામ હૈદરે વધુ એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં તેણે કહ્યું છે કે, હું હજુ સીમાને પ્રેમ કરું છું અને ઇચ્છું છું કે તેને ભારત સરકાર પરત મોકલી આપે.

