અમદાવાદઃ અમેરિકન સેમિકંડક્ટર જાયન્સ માઇક્રોને ગુજરાતના સાણંદ ખાતે રૂ. 22 હજાર કરોડના રોકાણના કરારો કર્યા છે. હજુ તાઇવાનની કંપની ફોક્સકોન આવનારા સમયમાં ગુજરાતમાં રોકાણના કરાર કરવા જઈ રહી છે. સેમિકંડક્ટર ઇન્ડસ્ટ્રીમાં ગુજરાતને હબ બનાવવાના આશય સાથે આગામી 28થી 30 જુલાઈ દરમિયાન મહાત્મા મંદિરમાં સેમિકોન ઇન્ડિયા ઇવેન્ટ યોજાવા જઈ રહી છે, જેનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. આ દરમિયાન ફોક્સકોન અને તાતા ગુજરાતમાં પોતાના સેમિકંડક્ટર ક્ષેત્રના સાહસ અંગેના કરારો કરશે.
આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં વિશ્વભરના સેમિ કંડક્ટર ચિપ, ફેબ ડિસ્પ્લે, ચિપ ડિઝાઇન, એસેમ્બ્લિંગ ક્ષેત્રના અનુભવ ધરાવતા નિષ્ણાતો ભારતમાં આ ક્ષેત્રમાં નવી તકોને લઈને પોતાનો અનુભવ અને મંતવ્યો રજૂ કરશે.
માળખાકીય સુવિધા તૈયાર થશે
ગુજરાતમાં સાણંદ, ધોલેરા ઉપરાંત સાબરકાંઠાના પ્રાંતિજ અને કચ્છમાં આ માટે જમીનો નક્કી કરીને રખાઈ છે. અહીં આવીને રોકાણ કરવા માગતા ઉદ્યોગોની પ્રાથમિક જરૂરિયાત જમીન ઉપરાંત વીજળી, પાણી અને પાણીના પ્રોસેસિંગ યુનિટની હોય છે. ધોલેરામાં અને સાણંદમાં આવું માળખું તૈયાર છે.
ભારતમાં સેમિકંડક્ટર બનાવવા માટે તાઇવાનની કંપની ફોક્સકોન અને ભારતની વેદાંતા વચ્ચે ડીલ રદ થઈ હતી. હવે તાઇવાની કંપનીએ નવેસરથી ગુજરાત સરકાર સાથે વાત શરૂ કરી છે અને રાજ્યમાં આ પ્લાન્ટ આવે તેના પ્રયાસો શરૂ થયા છે.

