અંબાજીઃ જિલ્લા કલેક્ટર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષના વરદહસ્તે શનિવારે યાત્રાધામ અંબાજીની નવીન વેબસાઇટ www.ambajitemple.in લોન્ચ કરવામાં આવી. ધર્મ, સંસ્કૃતિ અને ટેક્નોલોજીના સમન્વય થકી યાત્રાધામ અંબાજીનો વિકાસ થાય અને વિશ્વભરમાં વસતા મા અંબાના ભક્તોને તમામ સુવિધા પ્રાપ્ત થાય અને ઘરેબેઠાં ટેક્નોલોજીના માધ્યમથી જોડાઈ રહે તેવા અથાગ પ્રયત્નો અને સુવિધાઓ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પૂરી પાડવામાં આવે છે. વેબસાઇટ દ્વારા વિશ્વભરમાં વસતા માઇભક્તો ઘરેબેઠાં માતાજીનાં દર્શન, આરતી, પૂનમ અને ભાદરવી પૂનમના મેળા સહિતના પ્રસંગો નિહાળી શકશે. અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરી મંદિરનાં દર્શન સમય, યાત્રીસુવિધા, વિવિધ ઉત્સવો, 51 શક્તિપીઠ પરિક્રમા ઉત્સવ, અંબાજી આસપાસનાં સ્થળો, ગબ્બર જ્યોત અખંડ દર્શન, ઓનલાઇન સુવર્ણદાન, ઓનલાઇન જનરલ ડોનેશન જેવી અદ્યતન સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આગામી સમયમાં ઓનલાઇન શોપ અને ઘરેબેઠાં મા અંબાનો પ્રસાદ અને અન્ય ધાર્મિક વસ્તુઓ મળી રહે તેવી સુવિધા પણ ઉપલબ્ધ કરાશે. અંબાજી મંદિરના સોશિયલ મીડિયાને પણ અપડેટ કરી મા અંબાના ભક્તોને ટેક્નોલોજીથી જોડાવાનો વિશેષ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પોષી પૂનમ માતાજીના પ્રાગટ્યદિન અને 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2024 પહેલાં વેબસાઇટને નવીન થીમ, ટેક્નોલોજી અને સુવિધાઓ સાથે કાર્યરત્ કરવામાં આવી છે.

