નવી દિલ્હીઃ 19 ડિસેમ્બરે નવી દિલ્હી ખાતે ઇન્ડિયા ગઠબંધનની બેઠક મળી, જેમાં 28 પાર્ટીઓની સૂચક હાજરી રહી હતી. આ બેઠકમાં લોકસભાની ચૂંટણીને લઈને રણનીતિ નક્કી કરવામાં આવી. મલ્લિકાર્જુન ખડગેના જણાવ્યા પ્રમાણે ઇન્ડિયા ગઠબંધનના પક્ષો વચ્ચે બેઠકની વહેંચણી રાજ્યસ્તર પર થશે.
મલ્લિકાર્જુન ખડગેને મીડિયાને જણાવ્યું કે, લોકસભાની ચૂંટણી માટે ઇન્ડિયા ગઠબંધનની દેશભરમાં 8થી 10 સંયુક્ત જાહેરસભા યોજાશે, જે 30 જાન્યુઆરીથી શરૂ કરાશે. બેઠક દરમિયાન મમતા બેનર્જીએ મલ્લિકાર્જુન ખડગેને લોકસભા 2024ની ચૂંટણી માટેનો પ્રધાનમંત્રી પદ માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો, જેને કેજરીવાલ દ્વારા પણ સમર્થન અપાયું હતું.
જો કે આ વિવાદ વચ્ચે મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે, હાલમાં પ્રધાનમંત્રી પદનો ચહેરો નક્કી કરવો વહેલું ગણાશે. ઇન્ડિયા ગઠબંધનનું પહેલું ફોક્સ ભાજપને હરાવી જીત મેળવવું રહેશે. જીત બાદ પ્રધાનમંત્રી પદ અને અન્ય પદોની વહેંચણી કરવી યોગ્ય રહેશે અને તે બાદમાં જ થશે. ઇન્ડિયા ગઠબંધન વચ્ચે બેઠકની વહેંચણી રાજ્યસ્તર પર જ થશે. જો આ ફોર્મ્યુલા સફળ નહીં થાય તો અમે સહુ સાથે મળીને આ અંગે નિર્ણય લઈશું. આ સિવાય દિલ્હી અને પંજાબનું સમીકરણ કેમ પાર પાળવું તેના પર પણ તમામ પક્ષ સાથે મળીને વિચાર કરીશું. દિલ્હી અને પંજાબ જેવાં જટિલ રાજ્યોને બાદના તબક્કામાં લેવામાં આવશે.

