કોકાકોલા કંપની રૂ. 3000 કરોડના ખર્ચે રાજકોટમાં ત્રીજો પ્લાન્ટ સ્થાપશે

Wednesday 20th December 2023 05:31 EST
 
 

રાજકોટઃ રાજ્યમાં ખેડા જિલ્લાના ગોબલેજ અને સાણંદ બાદ રાજકોટમાં પણ હવે કોકાકોલા કંપની રૂ. 3 હજાર કરોડના ખર્ચે ત્રીજો પ્લાન્ટ સ્થાપશે. આ માટે હિન્દુસ્તાન કોકાકોલા બેવરેજીસ દ્વારા રાજ્ય સરકાર સાથે એમઓયુ પણ કરી દેવામાં આવ્યા છે. હિન્દુસ્તાન કોકાકોલા બેવરેજીસ કંપનીના ચીફ પબ્લિક અફેર્સ કોમ્યુનિકેશન્સ એન્ડ સસ્ટેનેબિલિટી ઓફિસર હિમાંશુ પ્રિયદર્શનીએ રાજકોટમાં આ પ્લાન્ટ સ્થાપવા માટે રૂ. 3000 કરોડના રોકાણની જાહેરાત કરી દીધી છે.
આ અંગે હિમાંશુ પ્રિયદર્શનીએ જણાવ્યું કે, રાજકોટમાં અમારું રોકાણ ગુજરાતના લોકો પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા અને માન્યતાનો પુરાવો છે. આ પ્રોજેક્ટને પ્રાદેશિક વિકાસ માટે ઉત્પ્રેરક તરીકે ધારીએ છીએ. તે સ્થાનિક પ્રતિભાવો માટે નવી તકો લાવશે અને ગુજરાતની આર્થિક અને સામાજિક પ્રગતિ માટે અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરશે.
ગુજરાતમાં આ કંપનીના નેટવર્કમાં અંદાજે 285 વિતરકો અને 2,24,000થી વધુ રિટેલર્સ છે. ખેડા જિલ્લાના ગોબલેજ તેમજ અમદાવાદના સાણંદ બાદ રાજકોટમાં પણ હવે કંપની તેનો ત્રીજો પ્લાન્ટ સ્થાપશે. આ પ્લાન્ટ માટે તેઓએ રૂ. 3000 કરોડના રોકાણની જાહેરાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, અમૂલ કંપનીએ પણ તેનો પ્લાન્ટ સ્થાપવા માટે રાજકોટ કલેક્ટર તંત્ર પાસેથી ગઢકા નજીક જમીન મેળવી છે. હવે કોકાકોલા કંપની દ્વારા પણ રાજકોટમાં તેનો જાયન્ટ પ્લાન સ્થાપવા માટે ગતિવિધિ તેજ બની છે. આ પ્લાન્ટ સ્થપાતાં જ રોજગારીની નવી તકો સાંપડશે. કલેક્ટર તંત્રનાં સૂત્રોએ જણાવ્યું કે, આ કંપની દ્વારા પ્લાન્ટ માટે જમીન સંપાદનની માગણી મુકાતાં સરકારની ગાઇડલાઇન મુજબ કાર્યવાહી આગળ વધશે. જો કે ક્લેક્ટર પ્રભવ જોષીનો આ મામલે સંપર્ક કરાતાં તેઓએ જણાવ્યું હતું કે, કોકાકોલા કંપની દ્વારા આ પ્લાન્ટ માટે હજુ તેમની પાસે દરખાસ્ત આવી નથી.


comments powered by Disqus