વાપીઃ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં સૌથી મોટું રેલવે પ્લેટફોર્મ વાપીમાં તૈયાર થઈ રહ્યું છે. આ પ્લેટફોર્મ નજીક ભારતની પ્રથમ પ્લાસ્ટિક અને તેને સંબંધિત એન્જિનિયરિંગમાં કોર્સ ઓફર કરતી પ્લાસ્ટ ઇન્ડિયા ઇન્ટરનેશનલ યુનિવર્સિટી બનાવવાની કામગીરી 70 ટકા પૂરી થઈ છે. રૂ. 100 કરોડના ખર્ચે 35 એકરમાં બનનારી આ યુનિવર્સિટીની પ્રથમ બેચ જૂન-2024થી શરૂ કરાશે, જેમાં 60 વિદ્યાર્થીને પ્રવેશ અપાશે.
વાપીના ડુંગરોમાં વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ મળે તેવા ઉદેશ્ય સાથે પ્લાસ્ટ ઇન્ડિયા ફાઉન્ડેશન 100 કરોડના ખર્ચે પ્લાસ્ટ ઇન્ડિયા ઇન્ટરનેશનલ યુનિવર્સિટી બનાવી રહ્યું છે. અહીંના શિક્ષકોને અમેરિકાની યુનિવર્સિટી ઓફ મેસેચ્યુસેટ્સ, લોવેલમાં ખાસ તાલીમ અપાશે. જેના કારણે અહીંના વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ હરીફાઈ કરી શકશે. અહીં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને મેસેચ્યુસેટ્સ યુનિવર્સિટીમાં પ્રવેશ અને અભ્યાસ મેળવવો સરળ અને આર્થિક રીતે વ્યાજબી બની રહેશે.

