અંબાજીઃ થરાદનું વાડિયા એટલે દેહવ્યાપાર માટે કુખ્યાત બનેલું ગામ. વાડિયાની 35 જેટલી મહિલાઓએ શનિવારે આત્મનિર્ભર થવાના માર્ગે પ્રયાણ કર્યું. આ ગામના સખીમંડળની મહિલાઓએ અગરબત્તી બનાવી અંબાજીમાં મા અંબાનાં ચરણમાં અર્પણ અને પ્રજ્વલિત કરી કુમાર્ગ ત્યજી આત્મનિર્ભર બનવાનો સંકલ્પ લીધો. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણ બરનવાલ તેમજ જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નીલ ખરેના પ્રયાસથી વાડિયાની મહિલાઓ માટે વધુ એક નવું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તેમને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસરૂપે 8 સખીમંડળ તૈયાર કરવામાં આવ્યાં છે. સૌપ્રથમ 60 બહેનોને અગરબત્તી બનાવવાની તાલીમ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જ્યાં 6 દિવસ તાલીમ અપાઈ હતી.

