ભુજઃ મધ્યપ્રદેશના સતના જિલ્લાના ધાર્મિક શહેર ચિત્રકૂટથી કચ્છના ધોરડો સુધીની ઓટો રિક્ષા યાત્રા શરૂ થઈ છે. ચિત્રકૂટમાં સાર્વત્રિક રીતે ઉચ્ચસ્તરીય તબીબી સેવા પ્રદાન કરવા આ ઓટો રનનું આયોજન દીનદયાલ સંશોધન સંસ્થા અને સેવા ઇન્ટરનેશનલ યુકેના નેજા હેઠળ કરાયું છે. 125 એનઆરઆઇ નાગરિકે 12થી 25 ડિસેમ્બર સુધીની આ યાત્રામાં ભાગ લીધો છે. ઓટો રિક્ષા રનમાં જોડાયેલા એનઆરઆઇનો ઉદ્દેશ્ય રિક્ષા ચલાવીને સમગ્ર ભારતમાં પ્રવાસ કરવાનો છે. દરેક રિક્ષામાં 3 સહભાગી છે. તેઓ એક પછી એક રિક્ષા ચલાવે છે. મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાનથી પસાર થઈને 25 ડિસેમ્બરે ધોરડો ખાતે રેલીનું સમાપન થશે. યુકે, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, યૂરોપિયન દેશોમાં વસતા મૂળ કચ્છના કુલ 125 યુવક-યુવતીઓ દ્વારા આ રેલીને ચિત્રકૂટથી શરૂ કરવામાં આવી, જેણે 2 હજાર કિ.મી.નું અંતર કાપી ધોરડો તરફ પ્રયાણ કર્યું.
સેવા યુકે રિક્ષા રન ટીમ દ્વારા છેલ્લાં 25 વર્ષથી મેડિકલ કેમ્પ ચલાવાય છે, જે અંતર્ગત મધ્યપ્રદેશની એક હોસ્પિટલ, કે જ્યાં જન્મથી ફાટેલા હોઠ અને તાળવાની સારવાર આપવામાં આવે છે તેને આર્થિક મદદ કરાશે, જેથી આ આવા લોકોની સારવારની સાથે દાંતના રોગ, ચહેરાની વિકૃતિ, મોઢાના કેન્સરની સારવાર પૂરી
પાડી શકાય.

