નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રમાં વિપક્ષ દ્વારા ભારે હંગામાના પગલે સત્ર સસ્પેન્શનનો નવો વિક્રમ સર્જાયો. ઉલ્લેખનીય છે કે સંસદના શિયાળુ સત્રમાં 19 ડિસેમ્બર મંગળવાર સુધી કુલ 151 વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવી ચૂક્યા છે. જે મુજબ શિયાળુ સત્ર દરમિયાન 12 ડિસેમ્બરે 14, 18 ડિસેમ્બરે 78 અને 19 ડિસેમ્બરે 59 મળી કુલ 151 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સોમવારે સંસદની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષના સાંસદોએ સંસદની સુરક્ષામાં ચૂકના મામલે વિરોધ કરી હંગામો મચાવ્યો હતો. વિરોધ એટલો ઉગ્ર સ્વરૂપે પહોંચી ગયો હતો કે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ 33 સાંસદોને સસ્પેન્ડ કરી દીધા, જેમાં અધિર રંજન ચૌધરી સહિત કોંગ્રેસના 11, ટીએમસીના 9, ડીએમકેના 9 અને અન્ય પક્ષોના 4 સાંસદનો સમાવેશ થાય છે. બાદમાં લોકસભાની કાર્યવાહીને મંગળવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. લોકસભાની જેમ જ રાજ્યસભામાં અધ્યક્ષ જગદીપ ધનખડે ઉગ્ર વિરોધ કરી રહેલા વિપક્ષના 45 સાંસદોને સસ્પેન્ડ કરી દીધા હતા.
ઉલ્લેખનીય છે કે, 14 ડિસેમ્બરે સંસદમાં હુમલા અંગે અમિત શાહના જવાબની માગ સાથે વિપક્ષ દ્વારા સદનમાં હંગામો કરાયો હતો. તે સમયે લોકસભામાંથી 13 અને રાજ્યસભામાંથી 1 મળી કુલ 14 સાંસદને સસ્પેન્ડ કરવામાં હતા. જે બાદ 18 ડિસેમ્બરે સંસદની સુરક્ષામાં ચૂક મુદ્દે હોબાળો કરવા બદલ લોકસભામાંથી 33 અને રાજ્યસભાના 45 વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તો મંગળવારે આ જ મુદ્દે હંગામો કરનારા વધુ વધુ 57 સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
સંસદના બંને સદનમાંથી કુલ 151 સાંસદોને સસ્પેન્ડ કરાતાં હવે કુલ 141 સાંસદો જ ગૃહની કાર્યવાહીમાં હાજરી આપી શકશે. એટલું જ નહીં સસ્પેન્ડ કરાયેલા સાંસદો દ્વારા ઉમેરવામાં આવેલા 27 પ્રશ્નો પણ યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા હતા.

