નવી દિલ્હીઃ અનંતનાગમાં 12 સપ્ટેમ્બરે શરૂ થયેલી આતંકીઓ સાથેની અથડામણ 19 સપ્ટેમ્બરે એટલે કે સાતમા દિવસે પણ ચાલુ રહી હતી. 13 સપ્ટેમ્બરે અનંતનાગના કોકરનાગમાં આતંકીઓની સાથે અથડામણમાં સેનાના બે ઓફિસર અને જવાન, તો જમ્મુ-કાશ્મીર પોલીસના ડીએસપી પણ શહીદ થયા હતા. ત્યારથી કોકરનાગના હલુરા ગંડુલ વિસ્તારમાં આતંકીઓને શોધીશોધીને ઠાર મારવામાં આવી રહ્યા છે.
એન્કાઉન્ટરના છઠ્ઠા દિવસે સોમવારે સુરક્ષાબળોને લાપતા જવાન પ્રદીપનો મૃતદેહ પણ મળી આવ્યો છે. આ સિવાય અથડામણના સ્થળેથી એક અજાણ્યા શખ્સનો મૃતદેહ પણ મળ્યો છે, જે આતંકી હોવાની આશંકા છે. આ સાથે આતંકીઓ સાથેની અથડામણમાં સેનાના કર્નલ મનપ્રિતસિંહ, બટાલિયન કમાન્ડર મેજર આશિષ ધૌંચક, જમ્મુ-કાશ્મીર પોલીસના ડીએસપી હુમાયુ ભટ અને બે જવાન શહીદ થઈ ચૂક્યા છે.
જંગલ પર સેનાની નજર
સેનાની સાતમા દિવસે પણ હજુ વધુ આતંકીઓ છુપાયા હોવાની આશંકા છે. જેને લઈને ગાઢ જંગલમાં છુપાયેલા આતંકીઓને શોધી કાઢવા માટે સેના ડ્રોન અને હેલિકોપ્ટર દ્વારા નજર રાખી રહી છે. માનવામાં આવે છે કે અહીં હજુપણ કેટલાક આતંકીઓ છુપાયેલા હોઈ શકે છે. સેના દ્વારા આતંકીઓને મારવા માટે દૂર સુધીની મારકક્ષમતા ધરાવતી મિસાઇલ અને હથિયારોથી સજ્જ હેરોન માર્ક ટુ ડ્રોનને તહેનાત કરાયા છે.
ઉરીમાં 3 આતંકી ઠાર
શનિવારે સેનાએ કાશ્મીરના બારામુલ્લામાં એલઓસી પાસે ઉરી, હાથલંગા વિસ્તારમાં એક એન્કાઉન્ટરમાં 3 આતંકવાદીને ઠાર કર્યા છે. સેના દ્વારા બે આતંકીના મૃતદેહ કબજે લેવામાં આવ્યા, જ્યારે ત્રીજા આતંકીનો મૃતદેહ બોર્ડર પાસે હોવાથી અને પાકિસ્તાની ચોકી દ્વારા ફાયરિંગ કરાઈ રહ્યું હોવાથી તેને કબજે કરવો મુશ્કેલ બન્યું હતું. આર્મીનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઉરીમાં આતંકીઓના બચાવમાં પાક. આર્મી દ્વારા ફાયરિંગ કરાયું હતું.

