અમેરિકા વસતા ભારતીય સેનાના બ્રિગેડિયરનું કારગિલ-પોરબંદરમાં અસ્થિવિસર્જન

Wednesday 20th September 2023 06:46 EDT
 
 

રાજકોટઃ કારગિલ ક્ષેત્રની શિંગો નદીમાં આર્મીના જવાનોની દેખરેખ નીચે એક યુવતીએ પોતાના પિતાના અસ્થિફૂલનું વિસર્જન કર્યું. આ અસ્થિ ભારતીય લશ્કરના નિવૃત્ત બ્રિગેડિયર શશિકાંત જશવંતરાય વસાવડાના હતા. તેઓ જામનગરના વતની હતા.
પિતાના અસ્થિ વિસર્જન કરવા પુત્રી અમેરિકાના ટેક્સાસથી છેક કારગિલ અને પછી પોરબંદર ગઈ હતી. અમેરિકાથી આવેલાં સંસ્કૃતિ દેસાઈ કહે છે, 1959 થી 1971 સુધી પપ્પા ભારતીય લશ્કરમાં રહ્યા. બ્રિગેડિયર તરીકે નિવૃત્ત થયા બાદ અમે અમેરિકા વસ્યાં. જીવનનાં છેલ્લાં 4 વર્ષ તેમને અલ્ઝાઇમરની બીમારી હતી. કંઈ યાદ ન રહે, પરંતુ કારગિલ સતત યાદ કરે. અમારી સાથે હિન્દીમાં વાત કરે. મેં પૂછયુંછ્યું, ક્યાંય જવું છે આપણે? તો કહે, ‘મુજે મેરે ભાઈઓ કે પાસ કારગિલ જાના હે.’
તેઓ પ્રવાસ કરી શકે તેમ નહોતા. અવસાન પછી અમે નક્કી કર્યું કે તેમના અસ્થિનું વિસર્જન વતનમાં અને કારગિલમાં પણ કરવું. ભારતીય સેનાનો સંપર્ક કરીને વિગતો મોકલી. જે એન્ડ કે રાઇફલ્સ રેજિમેન્ટે અમને તરત હા પાડી. અમે અહીં પહોંચ્યા એટલે અસ્થિકુંભ સેનાએ લઈ લીધો અને કારગિલમાંથી પસાર થતી શિંગો નદીમાં અસ્થિ પધરાવી દીધા. ત્યાર બાદ પોરબંદરમાં તેમના બાળપણના મિત્રની હાજરીમાં સમુદ્રમાં પણ અસ્થિ વિસર્જન કરાયું.


comments powered by Disqus