આદિત્ય એલ-1નું સૂર્ય તરફ વધુ એક ડગલું

Wednesday 20th September 2023 07:23 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતના પ્રથમ સૂર્ય મિશન આદિત્ય એલ-1 અવકાશયાને સફળતા નજીક વધુ એક ડગલું ભરી લીધું છે. આદિત્ય એલ-1 એ પૃથ્વીનું ચોથું ચક્કર લગાવામાં સફળતા મેળવી સૂર્ય નજીક ડગ માંડ્યા છે. આ મામલે ઇસરો દ્વારા પોતાના ટ્વીટર હેન્ડલ પર સત્તાવાર માહિતી આપવામાં આવી છે.
આદિત્ય લેગ્રેન્જ પોઇન્ટ-1 પર મોકલાયું
આદિત્ય એલ-1 ને સૂર્યના અભ્યાસ માટે અવકાશમાં મોકલાયું છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચે પાંચ લેગ્રેન્જ પોઇન્ટ છે. આ પોઇન્ટથી સૂર્ય અવરોધ વિના દેખાઈ શકે છે. ત્યારે લેગ્રેન્જ પોઇન્ટ-1 અવકાશયાન પર મોકલવામાં આવેલું આદિત્ય એલ-1 પૃથ્વીથી લેગ્રેન્જ પોઇન્ટ-1નું અંતર 15 લાખ કિલોમીટર છે, જ્યારે સૂર્યથી પૃથ્વીનું અંતર 15 કરોડ કિલોમીટર છે.
ઈસરોએ આપી ખુશખબરી
ગણેશ ચતુર્થી પહેલાં-પહેલાં ઇસરોએ ખુશખબરી આપી છે. ઇસરોએ ભારતના પ્રથમ સૌર મિશન આદિત્ય-એલ-1 મિશનને લઈને એક નવું અપડેટ આપ્યું છે. ઇસરોએ કહ્યું છે કે, આદિત્ય એલ-1માં સ્થાપિત સ્ટેપ્સ ઇન્સ્ટ્રુમેન્ટના સેન્સર્સે પૃથ્વીથી 50 હજાર કિ.મી.થી વધુના અંતરે સુપર થર્મલ અને એનર્જેટિક આઇનો અને ઇલેક્ટ્રોનને માપવાનું શરૂ કર્યું છે. આદિત્ય એલ-1 જે ડેટા એકત્ર કરશે તેનાથી પૃથ્વીની આસપાસના કણોના વર્તનનું વિશ્લેષણ કરવામાં મદદ મળશે.
વિક્રમ અને પ્રજ્ઞાન કરી શકે મોટો ચમત્કાર
ભારતનું ત્રીજુ મૂન મિશન ચંદ્રયાન-3એ ગત મહિને ચંદ્રના દક્ષિણી ધ્રુવ સુધી પહોંચીને ઇતિહાસ રચ્યો હતો. આ પછી વિક્રમ લેન્ડર અને રોવર પ્રજ્ઞાને પણ પોતાનું કામ પૂર્ણ કરી તમામ પ્રકારની નવી માહિતી ઇસરોને મોકલી હતી. જો કે ઈસરોને આશા છે કે ચમત્કાર થશે અને તે 22 સપ્ટેમ્બરથી ફરીથી કામ શરૂ કરી દેશે.
આ મહિનાની શરૂઆતમાં ચંદ્રયાન-3ના રોવરે પોતાનું કામ પૂરું કર્યું હતું, જે બાદ તેને શાંત કરી દેવાયું હતું. આ પેલોડમાં રેકોર્ડ કરાયેલો ડેટા લેન્ડરથી પૃથ્વી પર મોકલાયો છે, સાથે જ રોવર પ્રજ્ઞાનની બેટરી ફુલ ચાર્જ થઈ ગઈ છે. આશા છે કે 22 સપ્ટેમ્બરે ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ફરી સૂર્યપ્રકાશ પડશે ત્યારે તે ફરીથી જાગીને કામ કરી શકશે.


comments powered by Disqus