રાજકોટઃ માત્ર ભાષણબાજીમાં વ્યસ્ત રહેતા પ્રદેશ કોંગ્રેસના નેતાઓ ઘોર નિદ્રામાં રહેતાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આંગળીના વેઢે ગણાય એટલી પાલિકા-પંચાયતોમાંથી પણ કોંગ્રેસનાં સૂપડાં સાફ થઈ ગયાં છે. અમિત ચાવડા જેવા નેતાઓ ચૂંટણી પૂર્વે ‘સબ સલામત’ના દાવા કરતા હતા, જે પોકળ પુરવાર થયા છે. શક્તિસિંહ ગોહિલ સહિતના પ્રદેશ નેતાઓ ગ્રામ્ય અને નાનાં શહેરોમાં હોદ્દેદારોને સાચવી રાખવામાં સરેઆમ નિષ્ફળ જતાં કોંગ્રેસ નેતાગીરી સામે ગંભીર સવાલ ઊઠ્યા છે.
ગાંધીનગરમાં એકમાત્ર કલોલ તાલુકા પંચાયતને પણ કોંગ્રેસ સાચવી ન શકી. પ્રમુખની ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસના બે સભ્યોની પોલીસે અટક કરી. એક મહિલા સભ્યએ બળવો કરી કોંગ્રેસની બાજી પલટાવી દેતાં ભાજપને સત્તા આંચકી લેવામાં સફળતા મળી. સરસ્વતી અને સિદ્ધપુર તાલુકા પંચાયત પણ કોંગ્રેસ પાસેથી ભાજપને મળી. મહેસાણા જિલ્લાની તમામ 10 તાલુકા પંચાયતમાં હવે ભાજપની સત્તા છે, તો સતલાસણા તાલુકા પંચાયત ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી લીધી. સિદ્ધપુર તાલુકા પંચાયત અઢી વર્ષ કોંગ્રેસ પાસે રહ્યા બાદ કોંગ્રેસના જ બે સભ્યોએ વિરુદ્ધમાં મતદાન કરતાં ભાજપે સત્તા મેળવી છે.
કચ્છની અબડાસા અને લખપત તાલુકા પંચાયતોમાં બહુમતી હોવા છતાં સત્તા જાળવવામાં કોંગ્રેસ નિષ્ફળ નીવડી છે. અહીં કોંગ્રેસના બબ્બે સભ્યોએ ભાજપ તરફી મતદાન કરતાં કોંગ્રેસની કારમી હાર થઈ છે. સાથે જ કચ્છ જિલ્લો સંપૂર્ણપણે કોંગ્રેસ મુક્ત બની ગયો છે.

