જામ ખંભાળિયાઃ પશ્વિમ સાગરકાંઠે આવેલા બેટ દ્વારકા અને ઓખા વચ્ચે તૈયાર થઈ રહેલા કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના ડ્રીમ પ્રોજેક્ટ પૈકીના અનોખા સિગ્નેચર બ્રિજની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે, જેનું 18 ફૂટનું બાકી રહેલું કામ પૂર્ણ થઈ જતાં હવે તેઓ ટૂંક સમયમાં લોકાર્પણ કરશે એવું જાણવા મળે છે.
રાજ્યના ઐતિહાસિક અને પ્રવાસનની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ કેન્દ્રોના વિકાસ માટે રાજ્ય સરકારે મહત્ત્વપૂર્ણ પ્રોજેકટ્સ અમલમાં મૂક્યા છે, તે પૈકીનો સિગ્નેચર બ્રિજ એક છે. ઓખાથી બેટ દ્વારકા વચ્ચેનો આ બ્રિજ 2320 મીટરની લંબાઈનો છે, જે માટે અંદાજિત રૂ. 978 કરોડનો ખર્ચ થયો છે. અહીં દર્શનાર્થીઓ માટે વ્યૂઇંગ ગેલેરી સહિતની વિશેષ સુવિધા ઉપલબ્ધ રહેશે. પશ્ચિમ ભારતના તીર્થક્ષેત્ર દ્વારકાનાં દર્શને આવતા શ્રદ્ધાળુઓ અરબી સમુદ્રમાં આવેલા શંખોદ્વાર ટાપુ પર આવેલા તીર્થ બેટ દ્વારકાનાં દર્શને અચૂક જાય છે. હાલમાં બોટ દ્વારા દરિયો ઓળંગીને બેટ દ્વારકા જવાય છે. ઓખા અને બેટ દ્વારકા વચ્ચે આ પુલ બંધાતાં યાત્રાળુઓ માટે મોટી સુવિધાનું નિર્માણ થયું છે. દર્શનાર્થીઓ રોડ માર્ગે બેટ દ્વારકા જઈ શકશે.
આ બ્રિજ પર દરિયાઈ બાર્જ નથી. સમુદ્રમાં 38 પિલર્સ ઊભા કરવામાં આવ્યા છે. વર્ષ 2018માં શરૂ કરાયેલી બ્રિજની કામગીરી ત્રણ વર્ષમાં પૂર્ણ કરવાની હતી, પરંતુ કોરોનાકાળ અને અન્ય અંતરાયોને લીધે અવધિ લંબાયા બાદ હવે પૂર્ણ થઈ છે. પ્રધાનમંત્રીના ડ્રીમ પ્રોજેક્ટ એવા આ સિગ્નેચર બ્રિજનું કામ પૂર્ણ થઈ જતાં સંભવતઃ દિવાળીના તહેવાર આસપાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આ બ્રિજને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે. આ સહિતનાં અન્ય વિકાસ કાર્યો માટે તંત્ર દ્વારા પણ તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.

