ખોડિયાર માતાનું અપમાન કરનારા બ્રહ્મસ્વરૂપ સ્વામીએ માગી માફી

Wednesday 20th September 2023 06:49 EDT
 
 

નડિયાદઃ સાળંગપુર ભીંતચિત્રોનો વિવાદ માંડમાંડ થાળે પડ્યા બાદ ફરી એકવાર વિવાદિત નિવેદનને લઈ ધાર્મિક મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. જે અંતર્ગત ખોડિયાર માતાજીનું અંગે વાણીવિલાસ કર્યો હતો, પરંતુ ભારે વિવાદના પગલે તેણે માફી માગવી પડી છે. તેમણે કહ્યું કે, મારો આશય કોઈની ધાર્મિક લાગણી કે માન્યતાનું ખંડન કરવાનો ન હતો.
બ્રહ્મસ્વરૂપદાસે માગી માફી
વડતાલના બ્રહ્મસ્વરૂપ સ્વામીએ બફાટ કર્યા મામલે હવે માફી માગી છે. બ્રહ્મસ્વરૂપ સ્વામીએ ખોડિયાર માતાજી મામલે ટિપ્પણી કરી હતી, જે બાદમાં ખોડલ ધામ ટ્રસ્ટ અને ભક્તોની લાગણી દુભાઈ હતી. તેમણે કહ્યું કે, મારો આશય કોઈની ધાર્મિક લાગણી કે માન્યતાનું ખંડન કરવાનો નહોતો, છતાં મારા શબ્દોથી કોઈને ઠેસ પહોંચી હોય તો હું ક્ષમા માગું છું. ફરી વખત આનું પુનરાવર્તન નહીં થાય તેની ખાતરી આપું છું. ઉલ્લેખનીય છે કે વિવાદ બાદ બ્રહ્મસ્વરૂપ અનુષ્ઠાનનું બહાનું બતાવી એક રૂમમાં કેદ થઈ ગયા હતા.
શું હતો સમગ્ર મામલો ?
સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી બ્રહ્મસ્વરૂપે એક વાઇરલ વીડિયોમાં કહ્યું કે, ‘સ્વામિનારાયણમાં આવ્યા પછી કુળદેવી ના હોય. સ્વામિનારાયણમાં આવો એટલે ખોડિયાર માતા પણ ખુશ થાય છે. મહારાજ રંગોત્સવ કરીને જોબનપગીના ખેતરમાં નહાવા ગયા ત્યારે મહારાજે પૂછ્યું કે, ‘આ કોણ છે?’ ત્યારે તેમણે કહ્યું કે, ‘આ અમારાં કુળદેવી છે.’ ત્યારે મહારાજે તેમનાં ભીનાં કપડાં નીચોવી માતાજી ઉપર છાંટ્યા અને કહ્યું કે, ‘તમારાં કુળદેવીને અમે સત્સંગી કર્યાં.’


comments powered by Disqus