ગાંધીનગરઃ ગુજરાતના પ્રવાસે આવેલાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ બુધવારે ગુજરાત વિધાનસભાના 4 દિવસીય ટૂંકા ચોમાસુ સત્રનો પ્રારંભ કરાવી ઈ-વિધાનસભાનું ઉદઘાટન કર્યું. અગાઉ ત્રણ દિવસનું ચોમાસુ સત્ર મળવાનું હતું. જો કે છેલ્લા દિવસે કામકાજ સલાહકાર સમિતિની મળેલી બેઠકમાં સત્ર એક દિવસ લંબાવવાનો નિર્ણય લેવાયો હતો.
‘નેશનલ ઈ-વિધાન એપ્લિકેશન’નું લોન્ચિંગ
બુધવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે ગુજરાત ઈ-વિધાનસભાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સાથે જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે NeVA (નેશનલ ઈ-વિધાન એપ્લિકેશન)નું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું. જે બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભામાં પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આજનો આ દિવસ આપણા બધા માટે ખાસ છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ભારતના અભિગમને ગુજરાત વિધાનસભાએ વાસ્તવિકરૂપ આપ્યું છે.
વિધાનસભામાં ‘વન નેશન, વન એપ્લિકેશન’ શરૂ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, પીએમ મોદીના વન નેશન, વન એપ્લિકેશનના વિચારથી પ્રેરણા લઈને અમે પણ ગુજરાતની વિધાનસભાને ડિજિટલ વિધાનસભામાં ટ્રાન્સફર કરી છે. ગુજરાત વિધાનસભામાં નેશનલ ઈ-વિધાનસભા એપ્લિકેશન (NeVA)ની શરૂઆત થઈ રહી છે. આ આપણા બધા માટે એક ઐતિહાસિક સમય છે.
અન્ય ક્ષેત્રોની સાથે રાજકારણમાં પણ મહિલાઓની ભાગીદારી વધવી જોઈએ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ હાલમાં જ ગુજરાતનો પ્રવાસ ખેડ્યો. આ દરમિયાન એક કાર્યક્રમને સંબોધતાં તેમણે જણાવ્યું કે, દેશમાં વિજ્ઞાન હોય કે ટેકનોલોજી, સંરક્ષણ હોય કે રમતગમત પ્રત્યેક ક્ષેત્રમાં મહિલાઓ તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહી છે. ત્યારે મારું માનવું છે કે દેશ અને સમાજના વિકાસ માટે રાજકારણમાં પણ મહિલાઓનું પ્રતિનિધિત્વ વધવું જોઈએ.
દેશના સર્વાંગી વિકાસ માટે અડધી વસ્તીની ભાગીદારી મહત્ત્વપૂર્ણ ગણતાં તેમણે કહ્યું કે, દેશભરની 3 શૈક્ષણિક સંસ્થાઓની મેં જ્યારે મુલાકાત લીધી છે ત્યારે મહિલાઓની જીવનમાં આગળ વધવાની અને દેશ-સમાજ માટે કંઈક કરવાની આકાંક્ષા મેં જોઈ છે. મહિલાઓને યોગ્ય તકો આપવામાં આવે છે. તેઓ પુરુષો સાથે ખભેખભા મિલાવીને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપી શકે છે.
ટેબલેટમાં વીડિયો રેકોર્ડિંગ શરૂ કરતાં ઉપાધ્યક્ષ ભડક્યા
ઈ-વિધાનના બીજા જ દિવસથી ટેબલેટના દુરુપયોગનો કકળાટ શરૂ થયો છે. વિધાનસભામાં ગુરુવારે સુધારાવિધેયક પર ચર્ચા દરમિયાન કોંગ્રેસના ઉપનેતા શૈલેશ પરમારે ધારાસભ્યોને અપાયેલા ટેબલેટમાં વીડિયો રેકોર્ડિંગ શરૂ કર્યું હતું. ઘટનાની જાણ ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરને થતાં તેમણે આ મુદ્દે ઉપાધ્યક્ષ જેઠા ભરવાડનું ધ્યાન દોર્યું હતું. આ અંગે ઉપાધ્યક્ષ ભડક્યા હતા અને ટેબલેટમાં થતું રેકોર્ડિંગ બંધ કરાવ્યું હતું. આમ ટેબલેટ આપ્યાના બીજા જ દિવસથી બબાલો શરૂ થઈ ગઈ છે.

