ગુજરાતમાં ભાદરવો ભરપૂરઃ ક્યાંક આશીર્વાદરૂપ ક્યાંક આફત

Wednesday 20th September 2023 06:15 EDT
 
 

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ખાબકી રહેલો વરસાદ કેટલાક વિસ્તારોમાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે, તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. ભારે વરસાદને પગલે ખેડૂતો, વેપારીઓ અને સામાન્ય લોકોને ઘણું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વેપારીઓની દુકાનો અને લોકોનાં ઘરમાં પાણી ઘૂસી જતાં માલ-સામાનને મોટાપાયે નુકસાન થયું છે. અવિરત વરસાદથી કેટલાક વિસ્તારોમાં ખેતીમાં પણ નુકસાન થયું હોવાના સમાચાર સામે આવ્યા છે.
સૌરાષ્ટ્ર
સૌરાષ્ટ્રમાં મેઘો મુશળધાર વરસ્યો છે. જૂનાગઢ અને મેંદરડામાં સરેરાશ પાંચ ઈંચ વરસાદ વરસતાં ખેડૂતોની જીવાદોરીસમાન ઓઝત-2 ડેમ ઓવરફ્લો થયો હતો. જૂનાગઢની સોનરખ નદી ફરી એકવાર ગાંડીતુર બની હતી. દામોદર કુંડ પણ ઓવરફ્લો થયો છે. ભારે વરસાદના પગલે ઘેડ સહિતના અનેક વિસ્તારોનાં ખેતરોમાં પાણી ભરાઈ જતાં મહામૂલી ઉપજને નુકસાન થયું હોવાના અહેવાલ છે. જૂનાગઢ શહેરને પાણી પૂરું પાડતો વિલિંગ્ડન ડેમ પણ સિઝનમાં સતત બીજી વખત ઓવરફ્લો થયો છે. ઘેડ સહિત વિસાવદરમાં વધુ વરસાદના કારણે રસ્તાઓ ડાઇવર્ટ કરવામાં આવ્યા, તેમજ જૂનાગઢ શહેરમાં ફરી પૂરની પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે તંત્ર તૈયારીમાં લાગ્યું છે.
કચ્છ
રાપર અને ભચાઉ તાલુકામાં રવિવારે સાંજે એકાએક પવન સાથે જોરદાર વરસાદ શરૂ થતાં ગ્રામીણ માર્ગો પર જોશભેર પાણી વહી નીકળ્યાં હતાં. કચ્છના રાપર સહિતના તમામ તાલુકામાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું.
કચ્છ જિલ્લાના તમામ તાલુકામાં આજે સવારથી વરસાદ વરસી રહ્યો છે. સોમવારેે સવાર સુધી રાપરમાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા રસ્તાઓ પણ પાણી ફળી વળ્યાં છે. તો બીજી તરફ ગત રાત્રિના સમયે કરજણ ડેમની જળસપાટી 113.52 મીટર ઉપર પહોંચી હતી, જેથી કરજણ ડેમમાંથી પાણી છોડવાનું શરૂ કરાયું છે.
ઉત્તર ગુજરાત
ઉત્તર ગુજરાતના ગાંધીનગર, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણમાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. બનાસકાંઠા જિલ્લામાં અવિરત વરસાદથી ખેતીમાં નુકસાન થયું છે. ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાતાં કપાસ, મગફળી, એરંડા અને અડદના પાકમાં ભારે નુકસાન થયું છે. પાકમાં નુકસાન થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ડીસાના થેરવાડા પંથકમાં ધોધમાર વરસાદથી બાજરીના પાકને નુકસાન થયું છે. ખેતરોમાં કાપીને રાખેલી બાજરી વરસાદમાં પલળી ગઈ હતી.બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. લાટી બજારમાં અનેક દુકાનોમાં પાણી ઘૂસી ગયું હતું.
દક્ષિણ ગુજરાત
નર્મદા જિલ્લામાં ભારે વરસાદના કારણે ખેડૂતોના કેળાંના પાકને વ્યાપક નુકસાન થયું છે. ઉપરવાસથી પાણીની ભારે આવકના કારણે ડેમના 10 દરવાજા ખોલી નર્મદા નદીમાં પાણી છોડાતાં કિનારાનાં ગામોની ફળદ્રુપ જમીનો ધોવાઈ ગઈ હતી. જમીન ધોવાતાં કેળાં, કપાસ સહિતના પાકને મોટું નુકસાન થયું છે. પહેલાં વરસાદ ન આવતાં ઘણા ખેડૂતોનો પાક નષ્ટ થઈ ચૂક્યો હતો, જ્યારે હવે પૂરના કારણે પાક ધોવાઈ ગયો છે. નર્મદા ડેમમાંથી તબક્કાવાર 19 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવતાં જ નદી કાંઠાના ચાણોદ, ભરૂચ અને અંકલેશ્વરમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. ભરૂચ શહેરમાં 10 ફૂટ કરતાં વધારે પાણી ભરાતાં લોકો ઘરમાં કેદ થઈ ગયા હતા. જ્યારે અંકલેશ્વર શહેરમાં પણ નર્મદાનાં ધસમસતાં પાણીએ વિનાશ વેર્યો હતો.
મધ્ય ગુજરાત
શનિવારથી શરૂ થયેલા વરસાદમાં મધ્ય ગુજરાતના અમદાવાદ, વડોદરા, આણંદ, છોટાઉદેપુર, દાહોદ, ખેડા, મહિસાગર અને પંચમહાલમાં વરસાદ વરસ્યો હતો. અમદાવાદ શહેરમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળભરાવ થયો હતો. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોનાં ઘર, ઓફિસ અને દુકાનોમાં પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે વેપારીઓ અને વ્યવસાયિકોને મોટું નુકસાન થયું છે. શહેરના અનેક વિસ્તારોના જીવાદોરીસમાન રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
દાહોદ જિલ્લામાં શુક્રવાર રાતથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. અવિરત વરસાદને પગલે દાહોદની દૂધમતી નદી બે કાંઠે વહી રહી છે. આ સિવાયનાં નદી, નાળાં, તળાવો, ડેમ વગેરે જળાશયો પણ ઓવરફ્લો થયાં છે. જિલ્લાના કેટલાક ડેમ ઓવરફ્લો થતાં વહીવટી તંત્ર દ્વારા આસપાસનાં ગામોને એલર્ટ જાહેર કરી સ્થાનિક લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદને પગલે ભારતમાલા હાઇવે પ્રોજેક્ટમાં કામ કરતા 100 જેટલા શ્રમિકો મોરવાહડફ તાલુકાના નાટાપુર પાસેની સાઇટ પર ફસાયા હતા.


comments powered by Disqus