ખેડાઃ ઠાસરામાં શિવજીની સવારી પર શુક્રવારે પથ્થરમારો થતાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જે ઘટનાને લઈ પોલીસ એક્શનમાં આવી હતી અને કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો છે. ઘટના બાદ પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. શિવજીની યાત્રા પર પથ્થરમારા અંગે 3 અલગ અલગ ફરિયાદ નોંધાઈ છે અને ઘટનામાં સંડોવાયેલા 11 આરોપીની ધરપકડ કરાઈ છે. તો 1500થી વધુ લોકોના ટોળા સામે પણ ફરિયાદ દાખલ કરાઈ છે, જેમાં 17 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે.
મદરેસાની છત પરથી પથ્થરો મળ્યા
ખેડા જિલ્લાના ઠાસરામાં પથ્થરમારાની ઘટનામાં પોલીસ તપાસ દરમિયાન મદરેસાની છત પરથી પથ્થરો મળી આવ્યા છે. જેને લઈને પોલીસે પૂર્વયોજિત કાવતરું હોવાની શક્યતા જોતાં તપાસ શરૂ કરાઈ છે. શ્રાવણી અમાસને લઈ ઠાસરામાં શિવજીની સવારી પર પથ્થરમારાની ઘટના બનતાં વાતાવરણ તંગ બન્યું હતું.
ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
ઠાસરામાં ઘટનાના બીજા દિવસે પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. જેમાં 1 એસપી, 1 ડીવાયએસપી, 4 પીઆઇ, 24 પીએસઆઇ સહિત કુલ 150 પોલીસકર્મી ખડેપગે રખાયા હતા. પોલીસ તપાસમાં પથ્થરમારા અંગે કેટલાક અનુમાન પણ સામે આવ્યા છે, જેમાં મદરેસામાં પહેલાથી જ જૂના બાંધકામના પથ્થરો હોવાનું અનુમાન છે.

