ભાવનગરથી મથુરા જતી બસને રાજસ્થાનમાં અકસ્માત, 12નાં મોત

Wednesday 20th September 2023 06:39 EDT
 
 

તળાજાઃ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દિહોર ગામે આવેલા સંત બજરંગદાસ બાપા મઢુલી ગ્રૂપના સેવાભાવી સભ્યો 9 સપ્ટેમ્બરે હરિદ્વાર અને મથુરાની યાત્રાએ જવા રવાના થયા હતા. ભાવનગરની કાર્તિક ટૂરની સ્લીપર બસની ડીઝલની પાઇપ ફાટી હોવાથી આ બસ રાજસ્થાનના ભરતપુર શહેર નજીક નેશનલ હાઇવે પર ઊભી રહી હતી, ત્યારે પાછળથી આવેલી ટેન્કર બસની પાછળ પ્રચંડ ધડાકા સાથે અથડાઈ હતી અને ટેન્કરની અડફેટે આવેલા 23 યાત્રીને નાની-મોટી ઇજાઓ થઈ હતી, જેમાં 12 યાત્રિકોનાં મોત નીપજ્યાં છે. અકસ્માતમાં તળાજા તાલુકાના દિહોર ગામના 11 અને ભાવનગર શહેરની એક મહિલાનો સમાવેશ થાય છે.
ભાવનગરથી નીકળી અંબાજી, રામદેવરા, પોખરણ ગઢ થઈ પુષ્કર દર્શન અને ખરીદી કરીને રાત્રે નવેક વાગ્યે મુસાફરો મથુરા જવા રવાના થયા હતા. રાત્રીના આશરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં બસની ડીઝલ પાઇપ તૂટી જતાં રાજસ્થાનના ભરતપુર તાલુકાની હદમાં આવતા નેશનલ હાઇવે પર થોભાવી દેવાની ફરજ પડી હતી. અહીં યમદૂત બનીને એક ટેન્કરના ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરીને બસની પાછળ જમણી તરફ ટક્કર મારી હતી.


comments powered by Disqus