નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પોતાનો 73મો જન્મદિવસ ઊજવ્યો હતો ત્યારે તેમને દેશ-વિદેશના નેતાઓએ શુભેચ્છા આપી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ટ્વીટર પર અભિનંદન પાઠવતાં કહ્યું કે, ‘ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને હાર્દિક વધામણી અને શુભેચ્છાઓ. મારી શુભેચ્છા છે કે તમારી દૂરગામી દૃષ્ટિ અને સુદૃઢ નેતૃત્વથી તમે અમૃતકાળમાં ભારતના સમગ્ર વિકાસનો માર્ગ મોકળો કરો. ’
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર શેર કરીને તેમને જન્મદિવસની શુભેચ્છા આપતાં લખ્યું હતું કે, ‘દરેક ભારતીયના હૃદયમાં વસનારા એક અદભુત નેતા... શ્રી નરેન્દ્ર મોદી હેપ્પી બર્થડે.’ તો ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને સંરક્ષણમંત્રી રાજનાથસિંહે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. યુપીના સીએમ યોગી આદિત્યનાથે મોદીને શુભેચ્છા પાઠવતાં તેમને નવા ભારતના આર્કિટેક્ટ ગણાવ્યા હતા. કોંગ્રેસ નેતા રાહુલે લખ્યું હતું કે, ‘પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા.
વારાણસીમાં આ પ્રસંગે કાશીવિશ્વનાથ મંદિરમાં વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી અને મુસ્લિમ મહિલાઓના જૂથે 73 દીવા પ્રગટાવ્યા હતા અને આરતી કરી હતી.

