લોકસભામાં મહિલા અનામત બિલ રજૂ: મહિલા સાંસદોની સંખ્યા 181 થશે

Wednesday 20th September 2023 07:49 EDT
 
 

નવી દિલ્હીઃ ગણેશચતુર્થીના દિવસે 19 સપ્ટેમ્બરે સરકારે નવી સંસદમાં બપોરે 2:12 વાગ્યે મહિલા અનામત બિલ રજૂ કર્યું હતું. કાયદામંત્રી અર્જુનરામ મેઘવાલે કહ્યું હતું કે, અમે ઐતિહાસિક બિલ રજૂ કર્યું હતું. હાલમાં લોકસભામાં 82 મહિલા સાંસદ છે, આ બિલ પાસ થયા બાદ 181 મહિલા સાંસદ હશે.
સામાન્ય ચૂંટણી પહેલાં વસ્તીગણતરી અને સીમાંકન કરવું લગભગ અશક્ય છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે જો વિધાનસભા અને લોકસભાની ચૂંટણી સમયસર થશે તો આ વખતે અનામત લાગુ નહીં થાય. એનો અર્થ એ છે કે એ 2029ની લોકસભા ચૂંટણી અથવા એ પહેલાંની કેટલીક વિધાનસભા ચૂંટણીઓથી લાગુ થઈ શકે છે.
કોંગ્રેસનો જશ ખાટવા પ્રયાસ
કાયદામંત્રી અર્જુનરામ મેઘવાલે કહ્યું હતું કે, અમે ઐતિહાસિક બિલ લાવવા જઈ રહ્યા છીએ. હાલમાં લોકસભામાં 82 મહિલા સાંસદ છે. આ બિલ પાસ થયા બાદ 181 મહિલા સાંસદ હશે. આ અનામત સીધા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ માટે લાગુ પડશે. એનો અર્થ એ છે કે તે રાજ્યોની રાજ્યસભા અને વિધાન પરિષદોને લાગુ પડશે નહીં.
કોંગ્રેસે મહિલા અનામતના મુદ્દે શ્રેય લેવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીના નિવેદન પર હોબાળો થયો હતો. તેમણે કહ્યું હતું કે, આ બિલ મનમોહનસિંહના કાર્યકાળમાં લાવવામાં આવ્યું હતું. આ બિલ હજુ પણ અસ્તિત્વમાં છે. એના પર ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, અમે નવું બિલ લાવ્યા છીએ. તમે કૃપા કરીને માહિતીમાં સુધારો કરો.
આ પછી વિપક્ષી સાંસદોએ બિલની નકલને લઈને હંગામો મચાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, તેમને બિલની કોપી મળી નથી. સરકારે કહ્યું હતું કે બિલ અપલોડ કરવામાં આવ્યું છે.
વિપક્ષો પોતાના મુદ્દાથી ભટક્યા
મહિલા આરક્ષણ બિલના ઘોંઘાટમાં વિપક્ષ દ્વારા સરકારને ઘેરવાના મણિપુર હિંસાથી લઈને તમામ મુદ્દા ક્યાંય ખોવાઈ ગયા હતા. મોદી સરકારના એક દાવથી વિપક્ષો એવી રીતે મુંઝાયા કે કોંગ્રેસ જેવી પાર્ટી પણ આ બિલને પોતાનું ગણાવવામાં લાગીને ક્રેડિટ પોતાના નામે લેવાના પ્રયાસોમાં લાગી ગઈ હતી.
મહિલાઓ કેન્દ્રિત વધુ એક માસ્ટર સ્ટ્રોક
2019ની લોકસભા ચૂંટણી પહેલાં મોદી સરકારે એક મોટો દાવ રમ્યો હતો. તમામ રાજનીતિક પક્ષો, સામાજિક સંગઠનોના વિરોધ છતાં ભાજપ સરકાર 2018માં ટ્રિપલ તલાકનું બિલ સદનમાં લાવી હતી. સંસદના બંને સદનમાંથી આ બિલ પસાર થયા બાદ વિપક્ષી પાર્ટીઓના વિરોધ છતાં તેને કાયદાનું રૂપ અપાયું હતું અને મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારમાં ભાજપને વિરોધી પાર્ટીઓથી વધુ વોટ મળ્યા હતા. ભાજપ સરકાર ઇચ્છી રહી છે કે આ વખતે પણ લોકસભા પહેલાં મહિલાઓ અને મહિલાલક્ષી મુદ્દાઓ પર ભાર મૂકીને તેમને લોકસભા ચૂંટણીમાં ફાયદો મળી શકે છે.
ભાજપનું ફોકસ મહિલાઓ પર કેમ?
ઉલ્લેખનીય છે કે 2019 લોકસભા ચૂંટણીમાં જીત પાછળ ભાજપ સરકારની ઉજ્જવલા યોજના, હર ઘર શૌચાલય જેવી યોજનાઓની સાથે રેશન કાર્ડ પર પરિવારના મોભીના રૂપમાં મહિલાઓને સામેલ કરવાના નિર્ણયને મુખ્ય માનવામાં આવે છે. આ સિવાય ત્રિપલ તલાકનો કાયદો પણ મુખ્ય પરિબળ બન્યો હતો. 2019 લોકસભા ચૂંટણીમાં મહિલાઓએ આ મુદ્દાને લઈને પુરુષ મતદારો કરતાં વધારે મતદાન કર્યું હતું. આ રિપોર્ટને ગંભીરતાથી લઈ ભાજપે મહિલાઓ પર ફોકસ રાખ્યું છે.
હાલમાં મહિલા સાંસદોની સંખ્યા 14 ટકા
 ભારતની રાજનીતિમાં મહિલાઓની સ્થિતિની વાત કરીએ તો તે શ્રેષ્ઠતમ ક્યારેય નથી રહી. પ્રથમ લોકસભા 1952માં બની અને તેમાં માત્ર 24 મહિલા સાંસદ હતાં. સમયાંતરે આ સંખ્યા ઘટતી અને વધતી રહી, પરંતુ ક્યારેય 14 ટકાથી વધારે નથી રહી. હાલની સ્થિતિમાં 17મી લોકસભામાં મહિલા સાંસદોની અત્યાર સુધીની સૌથી વધુ સંખ્યા 78 એટલે કે 14 ટકા થઈ છે. ભાજપ સરકાર 2024ની ચૂંટણી પહેલાં આ બિલ લાવી રહી છે, પરંતુ 2029 લોકસભા ચૂંટણીમાં જ તેનો ઉપયોગ કરી શકશે. આથે તેમનું આ પગલું આગામી લોકસભાને ધ્યાને લઈ લેવામાં આવતું હોવાનું કહેવાઈ રહ્યું છે.
દેવગૌડા સરકારમાં પ્રથમ વખત મુકાયું હતું બિલ
દેવગૌડાની સરકાર સમયે 1996માં પ્રથમ વખત મહિલા આરક્ષણ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. તે સમયે આ બિલને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. એટલે કે આ બિલ માત્ર રજૂ થયું, પાસ થયું નહોતું. 1996 બાદ અનેક વખત મહિલા આરક્ષણ બિલને રજૂ કરવામાં આવ્યું છે, પરંતુ દરવખતે તેને વિરોધનો સામનો કરવો પડ્યો છે. ત્યાં સુધી કે વર્ષ 2010માં બિલ રાજ્યસભામાં પાસ થવા છતાં લોકસભામાં રજૂ થઈ શક્યું નહોતું. કોંગ્રેસ અધ્યક્ષપદેથી સોનિયા ગાંધીએ 2017માં આ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર પણ લખ્યો હતો.
મહિલા આરક્ષણનાં પ્રણેતા હતાં સરોજિની નાયડુ
મહિલા આરક્ષણ સંબંધી અભિયાનને ઉપાડનારાં સરોજિની નાયડુ હતાં, જેમણે 1931માં બ્રિટિશ પીએમને મહિલાઓના રાજનીતિક અધિકારને લઈને પત્ર લખ્યો હતો. સરોજિની નાયડુના કહેવા મુજબ મહિલાઓનું સિલેક્શન કરવું એક પ્રકારે અપમાન છે. તેઓ ઇચ્છતાં હતાં કે મહિલાઓનું સિલેક્શન નહીં પણ ઇલેક્શન થાય. સરોજિની નાયડુએ આઝાદીનાં 17 વર્ષ પહેલાં ઉઠાવેલાં આ પગલાં બાદ મહિલા આરક્ષણ સંબંધી અભિયાન અને ચર્ચાએ જન્મ લીધો હતો.


comments powered by Disqus