સુરતઃ ભારતમાં ઘૂસણખોરી કરીને સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં રહેતા 7 બાંગ્લાદેશીને પોલીસે ઝડપી પાડી ઘૂસણખોરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું છે. પોલીસે 3 મહિલા-4 પુરુષ સહિત ભારતમાં ઘૂસણખોરી કરાવનારા મુખ્ય એજન્ટની ધરપકડ કરી છે.
આ નેટવર્ક હેઠળ ભારતમાં ગેરકાયદે ઘૂસણખોરી બદલ એક વ્યક્તિ પાસેથી રૂ. 90 હજાર લઈ પ. બંગાળથી બોર્ડર ક્રોસ કરાવી ભારતમાં લવાતા હતા. મુખ્ય આરોપી બાંગ્લાદેશી મહિલાઓ પાસે દેહવ્યાપારનો ધંધો કરાવવા અહીં લઈ આવતો હતો.
સુરત એસઓજીને બાતમી મળી હતી કે બાંગ્લાદેશની બોર્ડરથી ગેરકાયદે ભારતમાં ઘુસાડનારા પલસાણામાં રહે છે. જેના આધારે પોલીસે 3 મહિલા અને 2 પુરુષની ધરપકડ કરી હતી. ભારતમાં ઘુસાડી સુરતમાં લાવનાર મુખ્ય એજન્ટની જાણકારી મળતાં પોલીસે તેને પણ ઝડપી પાડ્યો હતો. આરોપી રાજ બાંગ્લાદેશના પેરોલી ગામનો વતની હતો, તે પોતાના ગામની આસપાસની આર્થિક રીતે નબળા વર્ગની પરિવારની મહિલાઓ તેમજ પુરુષોને વધારે પગાર અપાવવાની લાલચ આપીને બાંગ્લાદેશથી ગેરકાયદે ભારતમાં પ્રવેશ કરાવતો હતો.

