સુરત: આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા શહેરના જ્વેલર્સ, મેન્યુફેક્ચરર અને બુલિયનને ત્યાં હાથ ધરેલા સર્ચ ઓપરેશનમાં ચોથા દિવસે અધિકારીઓના હાથમાં જાણે ખજાનો હાથ લાગ્યો. કાંતિલાલ બ્રધર્સ, પાર્થ, અક્ષર જ્વેલર્સ, તીર્થ ગોલ્ડ અને હરિકલા બુલિયનના ત્યાંથી રૂ. 2 હજાર કરોડથી વધુના બેનામી વ્યવહાર મળી આવ્યા છે. આ ઉપરાંત રૂ. 100 કરોડનો ગોલ્ડ-જ્વેલરીનો સ્ટોક પણ મળ્યો છે, જે ચોપડે દર્શાવાયો નહોતો. આવકવેરા વિભાગ દ્વારા કુલ 36 ઠેકાણાં પર સર્ચ ઓપરશન હાથ ધરાયું છે.
તપાસમાં વળાંક ત્યારે આવ્યો હતો જ્યારે જ્વેલરી મેન્યુફેક્ચરિંગ કરતા પાર્થને ત્યાંથી સોફ્ટવેર મળી આવ્યું હતું. આ વિશિષ્ટ સોફ્ટવેરમાં એન્ટ્રી સુરતમાં થતી હતી અને મોટાભાગના ડેટા રાજકોટ અને વિદેશમાં સેવ થતો હતો. આ કાંડને આઇટીની ટેકનિકલ ટીમે પકડ્યો હતો. આ એક વિશિષ્ટ પ્રકારનું સોફ્ટવેર હોવાનું અધિકારીઓ કહી રહ્યા છે. કેટલાક જ્વેલર્સ જેટલું ટર્નઓવર હોય તેનાથી ખૂબ જ ઓછું ચોપડે દર્શાવાતું હતું અને તેના આધારે ઓછો ટેક્સ ભરતા હતા.
ખરીદ-વેચાણ બધું જ રોકડમાં
આટલો મોટો આંક કેવી રીતે બહાર આવ્યો એ અંગે અધિકારીઓ કહે છે કે રોકડના વ્યવહારો પકડાયા છે. સોનું રોકડમાં ખરીદાયું છે અને તેની જ્વેલરી બનાવીને રોકડમાં વેચાણ કરાયું છે. જો કે આ બે નંબરના આંકડાની એન્ટ્રી સુવ્યવસ્થિત રીતે એક સોફ્ટવેરમાં કરવામાં આવતી હતી. અધિકારીઓ પાસે તેની પાંચ વર્ષની એન્ટ્રીઓ હાથ લાગી છે. હવે તેની પર 100 ટકા પેનલ્ટી સાથે ટેક્સની ગણતરી કરવામાં આવશે. આવકવેરા વિભાગના ઓપરેશનમાં કરચોરીનો આંકડો વધે તેવી પૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

