ભરૂચઃ જિલ્લાના એક રાજકીય પક્ષનાં 45 વર્ષની મહિલા અગ્રણીએ વડોદરા નજીકના એક ગામમાં રહેતા 35 વર્ષના યુવાનને હનીટ્રેપમાં ફસાવી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ અવારનવાર બદનામ કરવાની ધમકી આપી હોવાના આક્ષેપો સાથે યુવાને પોલીસ મથકમાં મહિલા અગ્રણી વિરુદ્ધ અરજી આપતાં ભરૂચ જિલ્લાનાં રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. આ સાથે આ બંનેના અંતરંગ પળોના ફોટો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ચકચાર મચી છે. ફોટો વાઇરલ થતાં મહિલા અગ્રણીએ પક્ષના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે.
યુવાને પોલીસ મથકમાં આપેલી અરજીમાં આક્ષેપ કરતાં જણાવ્યું છે કે, તે વડોદરા નજીકના એક ગામમાં પરિવાર સાથે રહે છે. ત્રણ વર્ષ અગાઉ તે ભરૂચ જિલ્લાના રાજકીય પક્ષનાં 45 વર્ષની ઉંમરનાં એક મહિલા અગ્રણીના પરિચયમાં આવ્યો હતો. જે બાદ બંને વચ્ચે મિત્રતા ગાઢ બનતાં બંને વચ્ચે પ્રેમસંબંધ અને શારીરિક સંબંધો પણ બંધાયા હતા.
યુવાને કહ્યું હતું કે, મેં ઇનકાર કરતાં મહિલાએ શારીરિક સંબંધો રાખવા દબાણ શરૂ કર્યું હતું, તેમજ સંબંધ ના રાખતાં ગામમાં અને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી હતી. સાથે મહિલાએ પોતે રાજકીય હોદ્દા પર હોઈ મને કોઈ મોટા કેસમાં ફસાવી દેવાની અને મારી નાખવાની ધમકી આપી હતી. દરમિયાન મહિલાએ મારી સામે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ આપી હતી.

