અમદાવાદમાં આર્મી જવાનોના નામે નકલી ડ્રાઇવિંગ લાઇસન્સ ઇશ્યૂ કરાયાં

Wednesday 21st June 2023 05:59 EDT
 
 

અમદાવાદઃ આર્મી ઇન્ટેલિજન્સીના ઇનપુટના આધારે અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે જમ્મુ-કાશ્મીર આર્મીના જવાનો સહિત સુરક્ષા દળોની જુદી-જુદી બટાલિયનના સરનામા પર ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવાના રેકટનો પર્દાફાશ કરી ગાંધીનગર આરટીઓમાં એજન્ટ તરીકે કામ કરતા બે શખ્સને શુક્રવારે ચાંદખેડાથી ઝડપી લીધા હતા.
પોલીસ તપાસમાં ખૂલેલી વિગત મુજબ પકડાયેલા આરોપીઓ પૈકી એક શખ્સ ભારતીય નૌકાદળની હોસ્પિટલમાં 22 વર્ષ સુધી કામ કરી ચૂક્યો છે, જેણે તેના સાગરીત સાથે મળીને ફેક ડોક્યુમેન્ટના આધારે એક હજારથી વધુ લાઇસન્સ તૈયાર કરીને જમ્મુ-કાશ્મીરના સ્થાનિકોને પહોંચાડ્યા છે. આ લાઇસન્સનો ઉપયોગ સ્થાનિકો કર્ફ્યૂ કે તોફાનોના માહોલમાં ફરવા માટે કરતા હોય છે. જો કે સુરક્ષા એજન્સીઓને આર્મીના અને સુરક્ષાદળોની બટાલિયનોના સરનામા પર તૈયાર થયેલા આ લાઇસન્સનો ઉપયોગ આતંકી ગતિવિધિમાં થયો હોવાની શંકા છે. પોલીસની તપાસમાં જમ્મુ-કાશ્મીરના કેટલાક શખ્સોનાં નામ ખૂલ્યાં છે.


comments powered by Disqus