કચ્છના 100 પૈકી 99 ડેમના દરવાજા ન હોવાથી દુર્ઘટના ટળી

Wednesday 21st June 2023 06:34 EDT
 
 

ભુજઃ બિપરજોય વાવાઝોડું કચ્છમાં જખૌ પાસે ટકરાવાની સાથે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. આમ છતાં કચ્છનાં જળાશયોની મોટી ખાનાખરાબી નોંધાઈ નથી. ઉલ્લેખનીય છે કે કચ્છના 100 પૈકી એકમાત્ર ડેમ દરવાજા ધરાવે છે, આ જ કારણ છે કે કચ્છમાં જળાશયોથી મોટી દુર્ઘટના સર્જાઈ નથી.
સામાન્ય રીતે ભારે વરસાદના પગલે જે-તે વિસ્તારનાં જળાશયોમાં પાણીની ભારે આવક થતી હોય છે, જેથી જળાશયો ભરાઈ જવાથી પાણી છોડવું પડતું હોય છે અને તે પાણી નીચાણવાળા વિસ્તારોમાં તબાહી નોતરતું હોય છે. જો પાણી છોડવામાં ન આવે તો ડેમના તૂટવા અને ખાનાખરાબીની શક્યતા રહે છે.
જો કે કચ્છની ભૌગોલિક સ્થિતિને અનુરૂપ ગુજરાત સરકારના સિંચાઈ વિભાગે બનાવેલા 100 જેટલા ડેમમાંથી કોઈ ડેમ દરવાજાવાળા નથી બનાવ્યા. સરકારનાં સૂત્રોના જણાવ્યા મુજબ કચ્છમાં મોટા ડેમ 20 છે, જ્યારે અન્ય નાના ડેમ 80 છે. આ પૈકી દરવાજા હોય તેવો એકમાત્ર ટપ્પર ડેમ જ છે, બાકીના 99 ડેમ દરવાજા વગરના છે. જે હાલમાં બિપરજોય વાવાઝોડામાં અને ભારે વરસાદના સમયમાં આશીર્વાદરૂપ પુરવાર થઈ રહ્યું છે. કચ્છમાં જ્યારે અતિભારે વરસાદ પડે અને આ ડેમ ભરાવા લાગે ત્યારે તેમાંથી પાણી છોડવાની સિંચાઈ વિભાગને ચિંતા નથી હોતી, કારણ કે જ્યારે ડેમ ભરાઈ જાય ત્યારે તેમાંથી પાણી છલકાઈને આપોઆપ બહાર જવા લાગે છે. જેના લીધે હેઠવાસની નદીઓ કે તેના પ્રવાહમાં એકસાથે પાણીનો મોટો પ્રવાહ આવતો નથી.


comments powered by Disqus