કોરોના મહામારીમાં ખોરવાયેલા અભ્યાસ માટે ભારતીય વિદ્યાર્થીઓએ યુકેની યુનિવર્સિટીઓ સામે વળતરનો દાવો માંડ્યો

Wednesday 21st June 2023 07:11 EDT
 
 

લંડનઃ કોરોના મહામારી અને યુનિવર્સિટી લેક્ચરરની હડતાળો દરમિયાન અભ્યાસમાં પડેલી ખલેલના મામલે બ્રિટિશ યુનિવર્સિટીઓ સામેના ક્લાસ એક્શનમાં 2017થી 2022 વચ્ચે યુકેમાં અભ્યાસ કરનાર અને ભારતમાં રહેતા 296 ભારતીય વિદ્યાર્થીઓ પણ જોડાયાં છે. 1,10,000 કરતાં વધુ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટે વળતરની માગ કરવા વેબસાઇટ StudentGroupClaim.co.uk દ્વારા કાયદા કંપનીઓ હાર્કસ પાર્કર અને એસરસનને સૂચના આપી છે. સ્ટુડન્ટ ગ્રુપના વળતર માટેના આ દાવામાં વધુ હજારો વિદ્યાર્થીઓ જોડાય તેવી સંભાવના છે. વિદ્યાર્થીઓની દલીલ છે કે તેમણે યુનિવર્સિટીમાં અભ્યાસ માટે પૂરી ફી ચૂકવી હોવા છતાં તેમને પૂરતો અભ્યાસ કરવા મળ્યો નથી. આમ યુનિવર્સિટીઓએ વિદ્યાર્થીઓ સાથે કરેલા કરારનું ઉલ્લંઘન કર્યું છે.
અરૂણિમા ઘોષ પણ આ વિદ્યાર્થીઓ પૈકીની એક છે. તે કહે છે કે તેણે એપ્લાઇડ બાયોસાયન્સમાં એમએસસીના અભ્યાસક્રમ માટે ઘર ગિરવે મૂકીને લોન લીધી હતી. તે કેન્સરના કોષ પર કિમોથેરાપીની અસરો પર સંશોધન કરી રહી હતી પરંતુ કોરોના મહામારી દરમિયાન યુનિવર્સિટીએ તેની પ્રયોગશાળાઓ બંધ કરી દીધી હતી. હવે જ્યારે તે નોકરી માટે અરજી કરી રહી છે ત્યારે નોકરીદાતાઓ તેના પ્રાયોગિક અનુભવની માગ કરી રહ્યાં છે. મહામારી પછીના વર્ષમાં યુરોપિયન વિદ્યાર્થીઓને લેબમાં પ્રયોગોની સુવિધા કરી આપવામાં આવી હતી પરંતુ અરૂણિમાને એમ જણાવવામાં આવ્યું હતું કે, તેના વિઝાની મુદત લંબાઇ શકે તેમ નથી. અરૂણિમા કહેછે કે મેં પૂરી ફી ચૂકવી હોવા છતાં મને અપાયેલા વચન પ્રમાણે શિક્ષણ પ્રાપ્ત થયું નથી.


comments powered by Disqus