અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે બિપરજોય વાવાઝોડાને કારણે થયેલા નુકસાનનો અંદાજ મેળવ્યો હતો. હવાઈ નિરીક્ષણ બાદ તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સરકારના મંત્રીઓ અને અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. સરકારનાં સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર અંદાજે રૂ. 1,500 કરોડની સહાયની જાહેરાત કરશે. હાલ અંદાજિત નુકસાન 2500 કરોડનું અંદાજવામાં આવે છે.
1 હજારથી વધુ મકાનની સોલર પેનલને નુકસાન
બિપરજોય વાવાઝોડું ત્રાટકતાં 120થી વધુ કિ.મી.ની ઝડપે ભારે પવન ફૂંકાયો હતો. જેના કારણે કચ્છ-સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં સોલાર પેનલો જાણે કાગળનાં પત્તાંની જેમ ઊડી ગઈ હતી. એક હજારથી વધુ મકાનોમાં સોલાર પેનલોનું નુકસાન થયું હોવાનો અંદાજ છે.
80 ટકા કચ્છમાં અંધારપટ
જખૌ બંદર પર ત્રાટકેલા વાવાઝોડાથી થયેલી નુકસાની અંગે તો સરકાર અને તંત્ર હવે સરવે કરશે, ત્યારે હાલની સ્થિતિએ સૌથી વધુ નુકસાની વીજકંપનીને થયાનું પીજીવીસીએલનાં વર્તુળોએ પ્રાથમિક તબક્કે જણાવ્યું છે. કચ્છમાં 50 હજારથીી વધુ વીજ થાંભલા ધરાશાયી થયાનો પ્રાથમિક અહેવાલ છે. જે કારણે 80 ટકા વિસ્તારમાં અંધારપટ ફેલાયો હોવાનું જાણવા મળ્યું છે.હ્યો છે.
તોતિંગ કન્ટેનર પત્તાંની જેમ ઊડ્યાં
જખૌ નજીક ત્રાટકેલા પવનની તાકાત કેટલી હશે તેનો અંદાજ બંદર પર ખડકાયેલાં કન્ટેનરની સ્થિતિ yપરથી આવી જાય છે. કાગળનાં પત્તાંની જેમ કન્ટેનર ઊડ્યાં હતા. આ જ રીતે કાંઠા પર સલામત રીતે રાખવામાં આવેલી બોટો પણ દરિયાનાં પાણીમાં સરકીને રાક્ષસી મોજાંની ઝપટે ચડી હતી.
અમિત શાહે મુખ્યમંત્રી સાથે કર્યું હવાઈ નિરીક્ષણ
બિપરજોય ચક્રવાતની કુદરતી થપાટ ખાઈને દ્વારકા અને કચ્છના અનેક વિસ્તારો બેહાલ થઈ ચૂક્યા છે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છમાં હવાઈ નિરીક્ષણ કરી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. હવાઈ નિરીક્ષણ બાદ અમિત શાહે માંડવી હોસ્પિટલમાં લોકો સાથે મુલાકાત કરી હતી.
દ્વારકા નગરી થઈ જળમગ્ન
દેવભૂમિ દ્વારકાના ઓખામાં સૌથી વધુ તારાજીનાં દૃશ્યો સામે આવ્યા હતા. અહીં જેટી તેમજ દરિયા વચ્ચેની દીવાલ પડી જતા જેટી અને રોડ ઉપર પાણી ફરી વળ્યાં હતાં. આ ઉપરાંત દ્વારકાના ડાલડા બંદર અને મીઠાપુરમાં પણ દરિયાનું પાણી ઘૂસ્યું હતું.
નડાબેટનું રણ ફેરવાયું દરિયામાં
નડાબેટની ભારત-પાકિસ્તાનની બોર્ડર પર 90થી 100 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન સાથે ધોધમાર વરસાદના કારણે વિઝિબિલિટી ઘટી જતાં બીએસએફના જવાનો દોરડું પકડીને પેટ્રોલિંગ કરતા જોવા મળ્યા હતા, જ્યારે ધોધમાર વરસાદના કારણે નડાબેટનું સૂકું રણ દરિયામાં ફેરવાઈ ગયું છે. બનાસકાંઠાના અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસતાં સ્થિતિ કપરી બની હતી.
દક્ષિણ ગુજરાતમાં પણ તારાજી
પાટણ જિલ્લાના સાંતલપુર ગામે અવિરત વરસાદના કારણે લાખો ટન મીઠું પાણીમાં ગરકાવ થયું હતું. સાંતલપુરમાં લાખો ટન મીઠું રણમાં જ રહી જતાં કરોડો રૂપિયાના નુકસાનની ભીતિ અગરિયાઓને સતાવી રહી છે. અગરિયાઓની આઠ મહિનાની મહેનત પર પાણીમાં જતાં તેઓએ સહાયની માગ કરી છે.
સરવે માટે 94 ટીમની રચના કરાઈ
સમગ્ર કચ્છ જિલ્લામાં 1670 જેટલાં કાચાં અને 275 જેટલાં પાકાં મકાન અસરગ્રસ્ત થયાં છે. જે અન્વયે સરકારની સૂચનાઓ મુજબ 94 ટીમ દ્વારા સરવેની કામગીરી હાથ ધરવામાં આવી છે. કચ્છ જિલ્લાનાં 348 મકાનોમાં ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે, જ્યારે કોઈ બંદર કે જેટી ક્ષતિગ્રસ્ત થયેલી નથી.

