જૂનાગઢઃ મહાનગરપાલિકા દ્વારા મજેવડી ગેટ પર દરગાહનું દબાણ હટાવવા મામલે નોટિસ લગાવાઈ હતી અને પાંચ દિવસમાં જરૂરી દસ્તાવેજો રજૂ કરવા માટે જણાવવામાં આવ્યું હતું. એને લઈ મોડીરાત્રે લઘુમતી સમાજના લોકોનાં ટોળાં એકત્રિત થયાં હતાં, જ્યાં પોલીસ અને લોકો વચ્ચે અથડામણ થઈ હતી. એમાં પથ્થરમારો થતાં પોલીસ દ્વારા ટિયરગેસના શેલ છોડવામાં આવ્યા હતા.
સ્થાનિક મુસ્લિમ સમુદાયના ટોળા દ્વારા કરાયેલા પથ્થરમારામાં જૂનાગઢ ડીવાયએસપી, પીએસઆઇ તેમજ અન્ય પોલીસકર્મીઓ ઘવાયા હતા. સમગ્ર સ્થિતિને કાબૂમાં લેવા જૂનાગઢ પોલીસ દ્વારા 174 લોકોને ઝડપી લેવાયા હતા, તેમજ શહેરભરમાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ પણ કરાયું હતું. આ મામલે જૂનાગઢ પોલીસે 31 લોકોના નામ સાથે 500 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

