પટેલ દંપતીનું ઈરાનમાં અપહરણઃ ત્રાસ ગુજાર્યો

અમદાવાદમાં રહેતા પરિવારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પાસે મદદ માગતાં ઈરાનમાં ફસાયેલા પંકજ પટેલ અને નિશા પટેલનો ગણતરીના કલાકોમાં છુટકારો

Wednesday 21st June 2023 05:58 EDT
 
 

અમદાવાદઃ એજન્ટના સહારે અમેરિકા જવા નીકળેલું પટેલ દંપતી ઇરાન પહોંચી ગયું, જ્યાં તેમનું અપહરણ કરવામાં આવ્યું. પછી આ દંપતીને એવી યાતના આપવામાં આવી, જે જોઈને કમકમાટી થઈ જાય. યુવકના શરીર પર બ્લેડના અસંખ્ય ઘા મારવામાં આવ્યા, પરંતુ હવે આ સમગ્ર મામલે એક મોટા અપડેટ આવ્યા છે. ઇરાનમાં ગોંધી રખાયેલા ગુજરાતી દંપતીને 24 કલાકમાં ભારત પરત લાવવામાં ગુજરાત સરકારને અભૂતપૂર્વ સફળતા મળી છે.
બબ્બે રાતના ઉજાગરા વેઠીને છોડાવ્યાં
પરિવાર તરફથી જે માહિતી આપવામાં આવી છે તે મુજબ પુત્રવધૂ નિશા અને પુત્ર પંકજને ઇરાનના તહેરાનમાં ગોંધી રાખી ખંડણી માંગ્યાની જાણ રવિવારે રાતે નવેક વાગ્યાની આસપાસ વ્હોટ્સએપ મેસેજથી હર્ષ સંઘવીને કરવામાં આવી હતી. તે વખતે તેઓ રથયાત્રાના બંદોબસ્ત, સુરતના યોગદિવસ સહિતના કાર્યક્રમોની તૈયારીમાં હતા, છતાં રવિવારની રાતથી સોમવારે રાત એમ બબ્બે રાતના ઉજાગરા વેઠીને તેમણે સતત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની હાઇલેવલ ડેડિકેટેડ ટીમ દ્વારા તપાસ કરાવી હતી. આ ઉપરાંત તેમણે જાતે જ મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ, સેન્ટ્રલ આઇબી, રો અને ઇન્ટરપોલનો પણ સંપર્ક કર્યો અને ઇરાન ખાતેના ભારતીય દૂતાવાસ, તહેરાનમાં ડેપ્યુટી ચીફ ઓફ મિશન જ્હોન માઈનો સંપર્ક કરીને ભાઈ પંકજ અને નિશાને શોધવા મદદ માગી હતી.
આ સઘળા પ્રયત્નોથી ગુજરાતી દંપતી તહેરાનથી મળી આવ્યું છે અને તેઓ સ્વદેશ આવવા રવાના થયાં છે. માત્ર 24 કલાકમાં વિદેશની ધરતી પર મદદ કરનારા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, અમદાવાદ ક્રાઇમબ્રાન્ચના અધિકારીઓનો પરિવારે આભાર પણ માન્યો છે.
યુવકના ભાઈએ ફરિયાદ નોંધાવી
જે યુવકનો વીડિયો સામે આવ્યો તેનુ નામ પંકજ પટેલ છે. તેના સગા ભાઈ સંકેત પટેલે અમદાવાદના કૃષ્ણનગર પોલીસ મથકમાં અરજી કરી કે તેનાં ભાઈ-ભાભીએ ગાંધીનગર સરગાસણ ખાતેના એક એજન્ટ સાથે રૂ. 1.15 કરોડમાં ગેરકાયદે અમેરિકા જવાનો સોદો નક્કી કર્યો હતો. એજન્ટે એવું કહ્યું હતું કે તેમનાં ભાઈ-ભાભીને પહેલા હૈદરાબાદ લઈ જવાશે અને ત્યાંથી બીજો એજન્ટ તેમને વાયા દુબઈ, ઈરાન થઈને અમેરિકા મોકલશે. આવામાં હવે અમેરિકા પહોંચતા પહેલાં જ તેમનાં ભાઈ-ભાભીનું ઇરાનમાં અપહરણ થયું હતું.
પરિવારને મોકલાયો વીડિયો
પંકજ પટેલ પર યાતનાઓ કરતો આ વીડિયો તેના પરિવારજનોને મોકલાયો છે. જેમાં એક વીડિયોમાં પતિ અને પત્ની સ્વીમિંગ પુલ પાસે ઊભાં છે અને અમેરિકા જઈ રહ્યાં હોવાનું જણાવે છે. તો બીજા વીડિયોમાં પંકજ પટેલ પર યાતના કરવામાં આવી રહી છે. જે માંતેને બાથરૂમમાં ઊંધો સૂવડાવાયો છે અને પીઠ પર બ્લેડથી અસંખ્ય ઘા મારવામાં આવ્યા છે.


comments powered by Disqus