ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણી પહેલાં ભારે રાજકીય હલચલ જોવા મળી રહી છે. લોકસભાની ચૂંટણી નજીક આવતાં જ પક્ષપલટો થવાનું શરૂ થઈ ગયું છે. ‘ભંગાણ થયું છે. બનાસકાંઠાના કોંગ્રેસના પીઢ નેતા ગોવાભાઈ રબારી ભાજપમાં જોડાયા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા તેમને ખેસ પહેરાવીને ભાજપમાં વિધિવત્ રીતે આવકારવામાં આવ્યા છે.
બનાસકાંઠા કોંગ્રેસને મોટો ફટકો
ગોવાભાઈ દેસાઈના સમર્થનમાં કોંગ્રેસના 200થી વધુ કાર્યકરો અને આગેવાનો પણ ભાજપમાં જોડાયા છે. ગોવાભાઈના ભાજપ થવાના અવસરે ભાજપના સાંસદ, ધારાસભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગોવાભાઈને ભાજપમાં લાવવા માટે ભારતીય જનતા પાર્ટીના બે દિગ્ગજ નેતાઓએ ખેલ પાડ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે.
35 વર્ષથી કોંગ્રેસમાં હતા ગોવાભાઈ રબારી
બનાસકાંઠાના ડીસા તાલુકાના કુચાવાડા ગામના રહેવાસી ગોવાભાઈ રબારી 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. તેઓ અત્યાર સુધીમાં 7 વખત વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે તેમના પુત્ર સંજય રબારીને ટિકિટ આપી હતી. જો કે આ ચૂંટણીમાં સંજય રબારીનો ભાજપના ઉમેદવાર સામે પરાજય થયો હતો.

