બિપરજોય વાવાઝોડા બાદ તારાજી વેરાઈઃ માલ-મિલકતને ભારે નુકસાન

Wednesday 21st June 2023 06:33 EDT
 
 

અમદાવાદઃ બિપરજોય વાવાઝોડું ગુરુવારે રાત્રે ગુજરાત પરથી પસાર થઈ ગયું, પરંતુ જ્યાંથી પસાર થયું ત્યાં અને અન્ય વિસ્તારોમાં મોટાપાયે તારાજી સર્જી દીધી. દરિયો પણ જાણે રોષે ભરાયો હોય તેમ ગરજતો હોય તેવાં દૃશ્યો સર્જાયાં હતાં, જેનાથી કાંઠા વિસ્તારના લોકોમાં ભયનું વાતાવરણ ઊભું થયું હતું. ચક્રવાતમાં રાજ્યના 9 તાલુકાનાં 442 જેટલાં ગામ અસરગ્રસ્ત થયાં હોવાનું પ્રાથમિક સરવેમાં સામે આવ્યું છે. જ્યાં ચક્રવાતે કાચાં મકાન, વૃક્ષો, હોર્ડિંગ્સ, વીજળીના થાંભલા, ઔદ્યોગિક શેડનાં છાપરાં પણ ઉડાવી દીધાં હતાં.
રાજ્યભરમાં 94 હજાર લોકોનું સ્થળાંતર
બિપરજોય વાવાઝોડાના કારણે રાજ્યમાંથી 94 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું, જેમને તેમના સ્થાનની સ્થિતિને ધ્યાને રાખી પરત મોકલવામાં આવશે. આ તમામ લોકોને રાજ્ય સરકાર દ્વારા પાંચ દિવસની કેશડોલ્સ ચૂકવવામાં આવશે.
કચ્છ, પોરબંદરમાં લોકોનું કરાયું રેસ્ક્યૂ
કચ્છના માંડવીના નિલકંઠ નગર ગામથીરા 15 જેટલા લોકોનો રેસ્ક્યૂ કરીને અર્ચના સ્કૂલ ખાતેના શેલ્ટર પર સુરક્ષિત રીતે ખસેડાયા હતા, જેમાં એક વૃદ્ધ દિવ્યાંગ મહિલા અને બાળકોનો સમાવેશ થાય છે. માંડવીના બાબાવાડી વિસ્તારમાં પાણી ઘૂસી જતાં સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા, જેમનું NDRFની ટીમે સફળ રેસ્ક્યૂ કર્યું હતું. તો પોરબંદરમાં પણ પાણીમાં ફસાયેલા લોકોનું NDRF દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
600થી વધુ ગામોમાં વીજળી ડૂલ
રાહત કમિશનર આલોકકુમાર પાંડેએ જણાવ્યું હતું કે, ચક્રવાતના પગલે રાજ્યના દરિયાકાંઠા સહિત 9 જિલ્લામાં વાવાઝોડાએ 19 હજાર જેટલા વીજથાંભલા ધરાશાયી થયા છે, જેનાથી 4600 ગામોમાં વીજળી ઠપ થઈ હતી. અનેક વિસ્તારમાં ટ્રાન્સફોર્મરને નુકસાન થતાં વીજપુરવઠાને અસર થઈ હતી.
વીજથાંભલા-રસ્તા થયા બેહાલ
એક અંદાજ પ્રમાણે સમગ્ર રાજ્યમાં ચક્રવાતના કારણે 19 હજાર જેટલા વીજળીના થાંભલા ધરાશાયી થયા હતા, જ્યારે 3700 કિ.મી. રસ્તાને પણ નુકસાન પહોંચ્યું છે. 1137 જેટલા વૃક્ષો ધરાશાયી થતાં 263 જેટલા રસ્તા બંધ થયા હતાે.
476 ટ્રેન રદ કરાઈ, 31 ટ્રેનના રૂટ ટુંકાવ્યા
ચક્રવાતને લઈને વેસ્ટર્ન રેલવેએ 76 ટ્રેન રદ કરી દીધી હતી, જ્યારે 31 ટ્રેનના રૂટને ટુંકાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભારે પવન અને ચક્રવાતના કારણે અણબનાવ ટાળવા માટે રેલવે વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આગાહીના પગલે ત્રણેય પાંખ હતી સતર્ક
દરિયાકાંઠાના વિસ્તારોમાંથી 94 હજારથી વધુ લોકોને સ્થળાંતર કરી બચાવી લેવામાં આવ્યા હતા. તો રાહત અને બચાવ માટે સેનાની ત્રણેય પાંખોને પણ તૈયાર રાખવામાં આવી હતી. જે અંતર્ગત 15 જહાજો, 7 એરક્રાફ્ટ, NDRFની 18 ટીમને તહેનાત કરવામાં આવી હતી.
સૌરાષ્ટ્ર-કચ્છનાં તમામ મંદિરો બંધ
‘બિપરજોય’ વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો. આ સ્થિતિની અગમચેતીરૂપે સોમનાથ, દ્વારકા, કાગવડ ખોડલધામ સહિતનાં તમામ મંદિર દર્શનાર્થીઓ માટે દર્શન બંધ રખાયાં હતાં, જેને વાવાઝોડાની અસર પૂર્ણ થતાં ખોલવામાં આવ્યાં છે.


comments powered by Disqus